ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં માનવતા લજવતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. બે કૌટુંબિક સગીર બહેનોને પ્રેમજાળમાં ફસાવી તેમના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ જંગલ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી બે નરાધમોને ઝડપી પાડ્યા છે.
પ્રેમજાળમાં ફસાવી આચર્યું પાપ
ભોગ બનનાર બંને સગીરાઓ તાલાલાના એક ગામની રહેવાસી છે. ગામના જ એક કિશોરે પોતાના મિત્ર સાથે મળીને આ બંને બહેનોને લોભ-લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ, બંને નરાધમોએ સગીરાઓ પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આટલેથી ન અટકતા, આરોપીઓએ આ કૃત્યની તસવીરો પાડી લીધી હતી અને તેને વાયરલ કરવાની ધમકી આપી લાંબા સમય સુધી સગીરાઓને ડરાવી-ધમકાવી મૌન રાખ્યા હતા.
પોલીસનું જંગલમાં 'ઓપરેશન કોમ્બિંગ'
જ્યારે આ મામલે પીડિતાની માતાએ હિંમત દાખવી તાલાલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી, ત્યારે પોલીસ તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું. પોલીસની કાર્યવાહીની ગંધ આવી જતાં બંને આરોપીઓ પોતાના મોબાઈલ ફોન બંધ કરી જંગલ વિસ્તારમાં છુપાઈ ગયા હતા. પોલીસે મોબાઈલ લોકેશન અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો. જંગલમાં સર્ચ ઓપરેશન ચલાવી પોલીસે બંનેને દબોચી લીધા. પકડાયેલા આરોપીઓમાં એક સગીર અને એક પુખ્ત વયનો શખસ સામેલ છે.
લોકોમાં ભારે આક્રોશ
પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 203 (BNS) અને પોક્સો (POCSO) એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જ્યારે આરોપીઓને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા ત્યારે એક આરોપી લંગડાતો જોવા મળ્યો હતો, જેને મહિલા કોન્સ્ટેબલોએ પકડીને રજૂ કર્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ છે અને પંથકના અગ્રણીઓ આ કેસમાં કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Ahmedabad: કલેક્ટર કચેરીમાં ACBના દરોડા, આધારકાર્ડના નામે લાંચ લેતા 3 શખ્સો ઝડપાયા