સિંહોના ગઢ ગણાતા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉનાના નવાબંદર ગામે પીલુડી પોલ્ટ વિસ્તારમાં શિકારની શોધમાં નીકળેલો એક ડાલામથ્થો સિંહ અચાનક ખુલ્લા કૂવામાં ખાબક્યો હતો. સિંહ કૂવામાં પડતા જ તેના ગર્જનાના અવાજથી સ્થાનિકોમાં ફાળ પડી હતી.

લોકોના ટોળેટોળાં ઉમટ્યા

કૂવામાં સિંહ પડ્યો હોવાની જાણ થતા જ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો સિંહને જોવા માટે ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિને જોતા તાત્કાલિક નવાબંદર પોલીસ અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. લોકોના ટોળાને કાબૂમાં લેવા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

વન વિભાગનું સફળ રેસ્ક્યુ ઓપરેશન

વન વિભાગની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચીને તરત જ સિંહને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ વન વિભાગે સિંહને કૂવામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો અને પાંજરે પૂર્યો હતો. સિંહના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા હવે તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે.


https://www.instagram.com/reel/DXCddR-F653/


કુદરતી આવાસમાં કરાશે મુક્ત

વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મેડિકલ તપાસમાં જો સિંહ સંપૂર્ણ સ્વસ્થ જણાશે, તો તેને ફરીથી તેના કુદરતી આવાસ એટલે કે જંગલ વિસ્તારમાં મુક્ત કરી દેવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર ખેતરોમાં રહેલા ખુલ્લા કૂવાઓની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે.


આ પણ વાંચો - Local Body Elections 2026 : લોકગાયિકા રાજલ બારોટની રાજકીય એન્ટ્રી, ઉના નગરપાલિકામાં ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે!