ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રાજ્યમાં આજે સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં એક ઈંચ વરસાદ ખાબક્યો છે. વેરાવળમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. ખંભાળિયામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે દ્વારકા જિલ્લાના અન્ય તાલુકાઓમાં 20 મીમી સુધી વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લામાં માવઠાને કારણે ખેડૂતો પર આફત આવી ચડી છે. માવઠાથી લસણના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.
ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો
ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળના સવની ગામમાં ખેડૂતો પર આફત આવી છે. માવઠાને કારણે લસણના પાકને નુકસાન થયું છે. ખેડૂતોની પાંચ મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે. માવઠાએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. અચાનક પડેલા વરસાદથી ખેતીમાં નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાક બગડવાની ભીતિ સર્જાઈ છે. સવની, ઈશ્વરિયા, મંડોર, દેવળી સહિતના ગામોમાં પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગ કરી છે. ગ્રામ્ય પંથકમાં એક ઈંચ વરસાદ પડ્યો છે.
