ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પંથકમાં સરકારી સબસિડી અને યોજનાઓના નાણાં ઓળવી જતાં સ્થાનિક નેતાઓની એક મોટી કરતૂત ખુલ્લી પડી છે. વેરાવળના ગોવિંદપરા ગ્રામ પંચાયતમાં વર્ષો પહેલા આચરવામાં આવેલી મહાકૌભાંડની તપાસના અંતે તત્કાલીન સરપંચ અને ઉપસરપંચ વિરૂદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
આ રીતે આચરવામાં આવ્યું મનરેગા કૌભાંડ
મળતી માહિતી મુજબ, વર્ષ 2012 થી 2016ના સમયગાળા દરમિયાન ગોવિંદપરા ગામમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MNREGA) અંતર્ગત અનેક વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન તત્કાલીન સરપંચ ગની સુમરા અને ઉપસરપંચ ઈસા ચૌહાણે સરકારી નાણાંની તફડંચી કરવા માટે એક ઘૃણાસ્પદ આયોજન કર્યું હતું. જે લોકો વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા અને જે શ્રમિકો ભારત છોડીને પાકિસ્તાનમાં જઈને વસી ગયા હતા, તે તમામ લોકોના નામે કાગળ પર ખોટા અને બોગસ 'જોબકાર્ડ' (Job Cards) બનાવી દેવામાં આવ્યા હતા. આ નકલી નામોના આધારે બેંક ખાતા ખોલાવી કે મસ્ટર રોલ પર ખોટી સહીઓ કરીને સરકારી ગ્રાન્ટ બારોબાર ઉપાડી લેવામાં આવી હતી.
