સુરત શહેરમાં ઉનાળાની ઋતુની શરૂઆત થતાં જ રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના બનાવો સતત વધી રહ્યા છે. આજે આવી જ એક ભયાવહ ઘટના સુરતના વેસુ વિસ્તારમાંથી સામે આવી છે, જ્યાં આવેલી જાણીતી 'બ્રાન્ગ અલ્ટીમા' બિલ્ડિંગના નવમા માળે આવેલા એક ફ્લેટમાં અચાનક જ અગનજ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં ફ્લેટમાંથી ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા બહાર નીકળવા લાગ્યા હતા, જેને જોઈને બિલ્ડિંગના અન્ય રહીશો જીવ બચાવવા નીચે દોડી આવ્યા હતા.

કોમર્શિયલ બિલ્ડિંગોમાં શોર્ટ સર્કિટના કારણે આગ

પ્રાપ્ત વિગતો અનુસાર, આગ 9મા માળે લાગી હોવાથી આસપાસના અન્ય ફ્લેટ્સમાં પણ ધુમાડો ફેલાઈ ગયો હતો, જેના કારણે બિલ્ડિંગમાં રહેતા સેંકડો લોકોમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, હાલ શહેરમાં પડી રહેલી અસહ્ય ગરમી અને હીટવેવ જેવી સ્થિતિ વચ્ચે ઇલેક્ટ્રિક વાયરિંગ ઓવરહીટ થઈ ગયું હતું. આ ભારે લોડિંગના કારણે વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

સમયસર ફાયરની એન્ટ્રીથી મોટી હોનારત ટળી

આગના આ ભયાનક બનાવ અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક સુરત ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા અને હાઈરાઈઝ બિલ્ડિંગનો મામલો હોવાના કારણે ફાયર વિભાગની ટીમ અલગ-અલગ ફાયર સ્ટેશનની ગાડીઓ અને હાઇડ્રોલિક ક્રેન સાથે મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ બિલ્ડિંગના ઇન-બિલ્ટ ફાયર સિસ્ટમ અને પોતાની ગાડીઓમાંથી પાણીનો ભારે મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી દીધી હતી અને ટૂંક જ સમયમાં તેના પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, સમયસર લેવાયેલા પગલાંના કારણે આ મોટી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ નાગરિક દાઝ્યું નથી, જે મોટી રાહતના સમાચાર છે.

આ પણ વાંચો: Gondal: "મારો દીકરો ભોળો છે, તેને ખેતી ન કરાવતા..." ખેતર પાડોશીઓની દાદાગીરીએ લીધો ખેડૂતનો જીવ