ગોંડલ તાલુકાના ધુડસીયા ગામેથી કાયદો-વ્યવસ્થા અને સામાજિક તાણાવાણાને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં રહેતા મહેન્દ્રભાઈ નામના મધ્યમવર્ગીય ખેડૂતે પોતાના જ કૌટુંબિક ભાઈઓ અને ખેતરના પાડોશીઓના ત્રાસથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લીધું છે. જો કે, આપઘાત કરતા પહેલા મહેન્દ્રભાઈએ જે વીડિયો બનાવ્યો છે, તેણે સમગ્ર પંથકમાં બુટલેગરો અને દબંગોની દાદાગીરી સામે અનેક સવાલો ઉભા કરી દીધા છે.
4 વર્ષની સતામણી અને જાનથી મારી નાખવાની ધમકી
મૃતક ખેડૂતે આપઘાત પહેલા પોતાના મોબાઇલમાં રેકોર્ડ કરેલા વીડિયોમાં રડતી આંખે જણાવ્યું કે, કાના માધા, હરેશ કાનજી, બાલા કાના અને સાગર બાલા નામના શખ્સો તેમને છેલ્લા 4 વર્ષથી અસહ્ય માનસિક ત્રાસ આપી રહ્યા હતા. આ આરોપીઓએ મહેન્દ્રભાઈના ખેતરમાં આવતું પાણી કાયદેસર રીતે બંધ કરી દીધું હતું, જેથી તેમનો પાક સુકાઈ જતો હતો. એટલું જ નહીં, આરોપીઓ જબરદસ્તીથી મહેન્દ્રભાઈના ખેતરમાં ટ્રેક્ટર ચલાવી જતા હતા અને જ્યારે પણ મહેન્દ્રભાઈ આ બાબતનો વિરોધ કરતા, ત્યારે તેમને અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. આ રોજ-રોજના ત્રાસથી કંટાળીને આખરે તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હતું.
