રાજકોટ શહેરમાં સગીરા સાથે આચરવામાં આવેલા અમાનવીય ગેંગરેપના ગુનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી મૂક્યું છે. આ કેસના ગુનેગારોને કડકમાં કડક સજા અપાવવા માટે ભક્તિનગર પોલીસ રાત-દિવસ એક કરીને ઓપરેશન ચલાવી રહી છે. આ કેસમાં કાયદાનો ગાળિયો મજબૂત કરતાં પોલીસે આજે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અન્ય ૨ મુખ્ય ભાગેડુ આરોપીઓને ઝડપી લેવામાં મોટી સફળતા મેળવી છે.

અમદાવાદ અને સુરતમાં છુપાયા હતા આરોપીઓ

પોલીસ કંટ્રોલ રૂમ અને તપાસ અધિકારીઓ પાસેથી મળતી સત્તાવાર માહિતી મુજબ, ગુનો આચર્યા બાદ ધરપકડના ડરથી આરોપીઓ રાજકોટ છોડીને ભાગી ગયા હતા. પોલીસની ટીમો સતત તેમના લોકેશન ટ્રેસ કરી રહી હતી. આ દરમિયાન ચોક્કસ કડીઓ મળતા જ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી અમદાવાદ અને સુરત ખાતે દરોડા પાડ્યા હતા. જ્યાંથી આરોપી અબ્દુલરજાક ઠેબા અને સાહિલ ઉર્ફે ડેવિલને દબોચી લેવામાં આવ્યા છે. આ બંને આરોપીઓને કાયદાકીય પ્રક્રિયા હેઠળ રાજકોટ લાવવામાં આવી રહ્યા છે, જ્યાં તેમનો કોવિડ ટેસ્ટ અને અન્ય તબીબી પરીક્ષણ કરાવી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે.

રિમાન્ડ દરમિયાન ખુલશે મોટા રાઝ

ઉલ્લેખનીય છે કે, આ જ ઘૃણાસ્પદ ગુનામાં અગાઉ પકડાયેલા ૩ આરોપીઓને પોલીસે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. પોલીસે ગુનાની ગંભીરતા અને કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે કોર્ટ પાસે રિમાન્ડની માંગણી કરતા, કોર્ટે તમામ ૩ આરોપીઓના ૫ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ આ રિમાન્ડ દરમિયાન ગુના માટે વપરાયેલી જગ્યા, વાહનો અને અન્ય પુરાવાઓ એકત્રિત કરશે. બીજી તરફ, આ કેસનો હજુ એક મુખ્ય આરોપી આસિફ શાહમદાર પોલીસ પકડથી દૂર છે. તેને પણ વહેલી તકે ઝડપી લેવા માટે એસઓજી (SOG) અને ક્રાઇમ બ્રાન્ચની મદદ લેવાઈ રહી છે.

આ પણ વાંચો: Ahmedabad: AMC એ પેલેડિયમ મોલ પાસે બ્રિજ નીચેથી પેવર બ્લોક હટાવી નવો રોડ બનાવ્યો