પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના પરવડી બાયપાસ રોડ પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. સિમેન્ટ ભરેલો એક બેકાબૂ ટ્રક રોડ સાઈડમાં આવેલા બે રહેણાંક મકાનોમાં ધડાકાભેર ઘૂસી જતાં મકાનોના સ્ટ્રક્ચરને ભારે નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે આ અકસ્માતમાં જાનહાનિ ટળી છે.

પૂરપાટ ઝડપે આવતી ટ્રકે સર્જ્યો આતંક

મળતી માહિતી મુજબ, સિમેન્ટનો જથ્થો ભરીને પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે ટ્રક રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને સીધી જ બાજુમાં આવેલા બે મકાનો સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે એક મકાનની દિવાલો અને ઉપરના પતરાં તૂટીને વેરવિખેર થઈ ગયા હતા. ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

અકસ્માત ઝોન બનેલો પરવડી બાયપાસ

ઘટના સમયે મકાનમાં સભ્યો હાજર હોવા છતાં, કોઈને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી, જે એક ચમત્કાર માનવામાં આવે છે. જોકે, મકાન માલિકોને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ટ્રકની ટક્કરથી મકાનોના પાયા અને દિવાલોમાં તિરાડો પડી ગઈ છે. સ્થાનિક રહીશોમાં આ ઘટનાને પગલે ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે પરવડી બાયપાસ રોડ હવે 'ડેથ ઝોન' સમાન બની રહ્યો છે. અહીં અવારનવાર ભારે વાહનોના ચાલકો કાબૂ ગુમાવે છે અને અકસ્માતો સર્જાય છે. સ્થાનિકોએ અહીં સ્પીડ બ્રેકર મૂકવા અથવા ટ્રાફિકનું યોગ્ય નિયમન કરવા માટે તંત્ર સમક્ષ માંગ કરી છે.

આ પણ વાંચો: ઉત્તરાયણ પૂર્વે પોલીસનો સપાટો, ટીમ્બા મહોલ્લામાંથી 36,000ની પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ઝડપાઈ