મહીસાગર જિલ્લામાં ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જીવલેણ ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. બાલાસિનોર ટાઉન પોલીસે બાતમીના આધારે ટીમ્બા મહોલ્લામાં દરોડો પાડી ₹36,000ની કિંમતના ચાઈનીઝ દોરીના 48 ફીરકા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.

ચાઈનીઝ દોરીના ફીરકા સાથે આરોપીની ધરપકડ

જિલ્લા પોલીસ વડા સફીન હસન અને નાયબ પોલીસ વડા કમલેશ વસાવા દ્વારા જાહેરનામાના ભંગ બદલ ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ અપાયા હતા. જેના પગલે બાલાસિનોર પીઆઈ એ.એન. નિનામાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ સતત વોચમાં હતી. 1 જાન્યુઆરી 2026ના રોજ બાલાસિનોર ટાઉન પોલીસના કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ટીમ્બા મહોલ્લામાં મહંમદ વાકીફ મેહબુબમિયા મલેકના ઘરે દરોડો પાડ્યો હતો. ઘરની ઉપરની ઓરડીમાં તપાસ કરતા પૂંઠાના બોક્સમાં છુપાવેલા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 48 નંગ ફીરકા મળી આવ્યા હતા.

મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ

પોલીસે સ્થળ પરથી ₹36,000ની કિંમતની જીવલેણ દોરીનો જથ્થો કબજે કરી આરોપી મહંમદ વાકીફની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ચાઈનીઝ દોરી પક્ષીઓ અને માનવીઓ માટે જીવલેણ સાબિત થતી હોવાથી તેના વેચાણ અને વપરાશ પર સખ્ત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આ પણ વાંચો:ડેસર-ગળતેશ્વર બ્રિજ ફરી ભારે વાહનો માટે બંધ, હજારો લોકોની રોજીરોટી છીનવાતા ક્વોરી સંચાલકો અને સ્થાનિકોનો હોબાળો