ગોંડલ-કોટડા સાંગાણી રોડ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. પરફેક્ટ રિસોર્ટ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી વેગનર કાર અને એક્ટિવા વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

કોટડા સાંગણી રોડ પર અકસ્માત

મળતી માહિતી મુજબ, કોટડા સાંગાણીના રહેવાસી ત્રણ મિત્રો એક એક્ટિવા પર સવાર થઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન માર્ગમાં પરફેક્ટ રિસોર્ટ નજીક એક વેગનર કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા પર સવાર ત્રણેય યુવાનો રસ્તા પર ફંગોળાયા હતા. જેમાં મુસ્તુફાભાઈ ભખર (ઉં.વ. 32) ને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.

એક યુવાનનું કરુણ મોત

અકસ્માતને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ તેમજ ગોંડલ નગરપાલિકાની એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. એક્ટિવા પર સવાર અન્ય બે મિત્રો, સજીદભાઈ બેલી અને ગફારશાહ શાહમદારને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. પ્રાથમિક સારવાર બાદ બંનેને વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Vav -Tharad: કોળાવા ગામે યુવક પર છ શખ્સોનો જીવલેણ હુમલો, લૂંટ ચલાવી ફરાર થયેલા શખ્સો સામે ગુનો દાખલ