વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના કોળાવા ગામે જૂની અદાવતમાં એક યુવક પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે. મધરાત્રિએ થયેલા આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા હાલ તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
કોળાવા ગામે યુવક પર છ શખ્સોનો જીવલેણ હુમલો
મળતી માહિતી મુજબ, કોળાવા ગામના રહેવાસી જયંતીભાઈ ગત મધરાત્રિએ પોતાના ખેતરમાં હતા, ત્યારે જૂની અદાવત રાખીને છ જેટલા શખ્સોએ ધસી આવી તેમના પર અચાનક હુમલો કર્યો હતો. ધનાભાઈ, ભુદરાભાઈ, ઉમાભાઈ, રમેશભાઈ, નરશીભાઈ અને પીરાભાઈ ચૌધરી નામના શખ્સોએ ભેગા મળી જયંતીભાઈને ઢોર માર માર્યો હતો.
ઢોર માર મારી સોનાની મરકી અને મોબાઈલની લૂંટ ચલાવી
ફરિયાદીના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ માત્ર માર જ નહોતો માર્યો, પરંતુ માનવતા નેવે મૂકીને લોહીલુહાણ હાલતમાં પડેલા જયંતીભાઈ પાસેથી તેમનો મોબાઈલ ફોન અને કાનમાં પહેરેલી સોનાની મરકીઓની પણ લૂંટ ચલાવી હતી. લૂંટ ચલાવ્યા બાદ તમામ શખ્સો ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા જયંતીભાઈને તાત્કાલિક થરાદ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
યુવકને ઢોર માર મારી લૂંટ
જોકે, તેમની હાલત અત્યંત નાજુક હોવાથી વધુ સારવાર માટે પાલનપુરની ખાનગી હોસ્પિટલના ICU વોર્ડમાં ખસેડાયા છે. મળતી વિગત મુજબ, હુમલાના કલાકો વીત્યા હોવા છતાં યુવક હજુ સુધી ભાનમાં આવ્યો નથી.આ મામલે માવસરી પોલીસ મથકે તમામ છ શખ્સો વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે હુમલાખોરોની ધરપકડ કરવા માટે શોધખોળ તેજ કરી છે અને જૂની અદાવત પાછળના મૂળ કારણોની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Surat: SMCમાં પૂર્વ કમિશનર મિલિન્દ તોરવણેએ 9માં વહીવટદાર તરીકે વિધિવત ચાર્જ સંભાળ્યો