રાજકોટના ગોંડલ શહેરમાં ગત 20 મેની મોડી રાત્રે બનેલી કોળી યુવાન નિલેશભાઈ શેખની ઘાતકી હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ લોહિયાળ ઘટનાને પગલે સમગ્ર પંથકના કોળી સમાજમાં ભારે આક્રોશ અને રોષ ફાટી નીકળ્યો છે. ભગવતપરા વિસ્તારમાં હત્યાના કારણે તંગદિલીભરી સ્થિતિ સર્જાઈ છે. આ મામલે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે 'સમસ્ત કોળી સમાજ સંકલન સમિતિ' મેદાને આવી છે અને ડેપ્યુટી કલેક્ટર (પ્રાંત અધિકારી)ને આવેદનપત્ર પાઠવીને કડક કાર્યવાહીની માંગ કરી છે.

દારૂ, જુગાર અને ડ્રગ્સના દૂષણથી પરિવારો સ્થળાંતર કરવા મજબૂર

કોળી સમાજ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં સ્થાનિક તંત્ર અને પોલીસ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સમાજના અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે, ગોંડલના ભગવતપરા વિસ્તારમાં દારૂ, જુગાર અને ડ્રગ્સ જેવા જીવલેણ દૂષણો ખૂબ જ વધી ગયા છે. આ નશાના કારોબારને કારણે વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ અસહ્ય બન્યો છે, જેના કારણે અનેક નિર્દોષ પરિવારો હવે આ વિસ્તારમાંથી સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે.

CCTV અને પોલીસ પેટ્રોલિંગ વધારવાની ઉગ્ર માંગ

કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિને સુધારવા માટે કોળી સમાજે ભગવતપરા વિસ્તારમાં તાત્કાલિક પોલીસ પેટ્રોલિંગ વધારવાની તેમજ મુખ્ય પોઇન્ટ્સ પર તાત્કાલિક સીસીટીવી કેમેરા લગાવવાની ઉગ્ર માંગ કરી છે. આ સાથે જ આવેદનપત્રમાં વહીવટીતંત્રને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે, આ આવેદનપત્રમાં સહી કરનાર કોઈપણ વ્યક્તિ પર ભવિષ્યમાં જો અસામાજિક તત્વો દ્વારા હુમલો કે ધમકીની ઘટના બનશે, તો તેની સંપૂર્ણ જવાબદારી વહીવટીતંત્ર અને પોલીસની રહેશે.

ન્યાય નહીં મળે તો થશે ઉગ્ર આંદોલન

સમગ્ર ગોંડલ પંથકમાં આ હત્યાકાંડને લઈને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. કોળી સમાજે સરકાર અને પ્રશાસનને ખુલ્લી ચીમકી ઉચ્ચારી છે કે, જો મૃતક નિલેશ શેખના પીડિત પરિવારને વહેલી તકે ન્યાય નહીં મળે અને આરોપીઓને કડકમાં કડક સજા નહીં થાય, તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાત કક્ષાએ સમસ્ત કોળી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.


આ પણ વાંચો-----    Gandhinagar : ડાર્ક વેબથી UK જેલ સુધી કનેક્શન, 226 કરોડના ટેરર ફંડિંગ કેસમાં ચોંકાવનારો ધડાકો