જિલ્લાના ગોંડલ તાલુકાના ભૂણાવા ગામે સરકારી અને ગૌચરની જમીનમાંથી મોટાપાયે ખનીજ ચોરીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ મામલે રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ સહદેવસિંહ જાડેજા સહિત કુલ 9 શખ્સો સામે ₹1.59 કરોડની ખનીજ ચોરીની ફરિયાદ નોંધાતા રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
સરકારી અને ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરી
રાજકોટ ખાણ-ખનીજ વિભાગ દ્વારા ભૂણાવા ગામના સર્વે નંબરો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ગામની ગૌચર અને સરકારી ખરાબાની જમીનમાંથી ગેરકાયદેસર રીતે મોટાપાયે ખનીજનું ખોદકામ કરવામાં આવ્યું છે. આ કૌભાંડમાં સહદેવસિંહ જાડેજા અને અન્ય 8 લોકોની સંડોવણી ખુલતા વિભાગ દ્વારા તમામ સામે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે.










