રાજકોટના ગોંડલ શહેરમાં અસામાજિક તત્વોના આતંક અને જૂની અદાવતને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. શહેરના વ્યસ્ત ગણાતા આંબેડકર ચોક પાસે મોડી સાંજે હિંસક દ્રશ્યો સર્જાયા હતા, જેમાં તોફાની તત્વોએ પથ્થરમારો કરી ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું.


રિક્ષાને આગચંપી અને પથ્થરમારો

ઘટનાની વિગતો મુજબ, આંબેડકર ચોક પાસે પાર્ક કરેલી એક રિક્ષા (નંબર: GJ03AZ 3346) ને અજાણ્યા શખ્સોએ આગ ચાંપી દીધી હતી. જોતજોતામાં રિક્ષા સળગી ઉઠી હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. આટલેથી ન અટકતા, તોફાની તત્વોએ કડિયા લાઇન અને આસપાસના વિસ્તારોમાં પથ્થરમારો શરૂ કર્યો હતો અને અપશબ્દો બોલી વાતાવરણ ગરમ કર્યું હતું. આ હિંસક માહોલને જોતા ભયભીત વેપારીઓએ પોતાની દુકાનો અને બજારો ટપોટપ બંધ કરી દીધા હતા.

યુવકના અપહરણ મામલે પોલીસ સામે રોષ

સ્થાનિકોમાં ચર્ચાતી અને આરોપ મુજબ, આ સમગ્ર મામલો બિચકવા પાછળ પોલીસની નિષ્ક્રિયતા જવાબદાર છે. સાંજના સમયે એક યુવકનું અપહરણ થયું હોવાની વાત વહેતી થઈ હતી. પરિવારે આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી, પરંતુ પોલીસે ત્વરિત ફરિયાદ ન નોંધતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો, જે અંતે હિંસક સ્વરૂપે બહાર આવ્યો હોવાનું માનવામાં આવે છે.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ઘટનાની જાણ થતા જ ગોંડલ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડે રિક્ષામાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ પરિસ્થિતિને થાળે પાડવા માટેકડિયા લાઇન અને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.પોલીસ દ્વારા વિસ્તારના CCTV ફૂટેજ મેળવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.પથ્થરમારો કરનારા શખ્સોને ઓળખી કાઢવા માટે ટીમો બનાવવામાં આવી છે.શહેરમાં હજુ પણ ગૂંગળાયેલો રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસ આ મામલે કડક હાથે કામ લે તેવી માગ ઉઠી છે.

આ પણ વાંચો: Amreli: ભાવનગર હાઇવે પર સિંહણને અડફેટે લેનાર કારચાલક ઝડપાયો, પોલીસ આવાસ નિગમનો એન્જિનિયર નીકળ્યો આરોપી

  • Follow us on: