રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે સામેથી આવતા ચાલકની આંખોને અંજી નાખતી 'હાઈ બીમ લાઈટ' અને ગેરકાયદેસર LED લાઈટોના કારણે સર્જાતા અકસ્માતોને રોકવા માટે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. ગત 22 જાન્યુઆરીના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલા પરિપત્ર બાદ, સમગ્ર ગુજરાતમાં પોલીસે સઘન ડ્રાઈવ શરૂ કરી છે. માત્ર 12 દિવસના ટૂંકા ગાળામાં જ રાજ્યભરમાંથી 3,094 વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.


વલસાડમાં સૌથી વધુ 288 વાહન ચાલકોને દંડ

રાજ્ય સરકારની આ કડક અમલવારીમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ મોખરે રહ્યા છે. આંકડાકીય માહિતી મુજબ: વલસાડ: સમગ્ર રાજ્યમાં સૌથી વધુ 288 વાહનચાલકો દંડાયા છે. અમદાવાદ: મેટ્રો સિટીમાં 260 વાહનચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. સુરત અને વડોદરા: સુરતમાં 243 અને વડોદરામાં 168 વાહનચાલકો સામે કાર્યવાહી થઈ છે. રાજકોટ: રંગીલા રાજકોટમાં પણ પોલીસે 106 ચલણ ફાડ્યા છે.

22 જાન્યુઆરીના પરિપત્ર બાદ કડક કાર્યવાહી

બેફામ રીતે વપરાતી હાઈ બીમ લાઈટ અને વધારાની ફિટ કરાવેલી તીવ્ર LED લાઈટો સામેના ટ્રાફિકને અંધ કરી દે છે, જે ઘણીવાર ગમખ્વાર અકસ્માતોમાં પરિણમે છે. ટ્રાફિક પોલીસ હવે માત્ર દંડ જ નથી વસૂલી રહી, પરંતુ અનેક કિસ્સાઓમાં જોખમી લાઈટોને સ્થળ પર જ દૂર કરાવવાની કામગીરી પણ કરી રહી છે. સરકારના આ પરિપત્ર બાદ પોલીસની લાલ આંખને કારણે નબીરાઓ અને નિયમભંગ કરનારા ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં આ ઝુંબેશ હજુ વધુ તેજ બનાવવામાં આવશે તેવી શક્યતા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: