ગુજરાતમાં દિવાળી અને તહેવારોના દિવસોમાં ઇમરજન્સી મેડિકલ સેવાઓ પરનું ભારણ વધી શકે છે. 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસિસ દ્વારા અગાઉના વર્ષોના આંકડા અને ઇમરજન્સી કેસોના વલણના આધારે વર્ષ 2026 માટે આગોતરું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. આ અનુમાન મુજબ સામાન્ય દિવસોમાં સરેરાશ 5,248 ઇમરજન્સી કેસ નોંધાય છે, જ્યારે દિવાળીના દિવસે 6,111, નવા વર્ષે 6,776 અને ભાઈબીજના દિવસે 6,453 કેસ નોંધાવાની શક્યતા છે.
નવા વર્ષે સૌથી વધુ ઇમરજન્સી કેસની આશંકા
108ના અનુમાન મુજબ દિવાળીના દિવસે સામાન્ય દિવસોની સરખામણીએ ઇમરજન્સી કેસોમાં 16.44% વધારો થઈ શકે છે. નવા વર્ષે આ વધારો 29.12% અને ભાઈબીજના દિવસે 22.96% રહેવાની શક્યતા છે. એટલે તહેવારો દરમિયાન નવા વર્ષના દિવસે ઇમરજન્સી સેવાઓ પર સૌથી વધુ ભારણ રહેવાની આશંકા વ્યકત કરવામાં આવી છે.
વાહન અકસ્માતોમાં 140% સુધીનો વધારો થવાની શક્યતા
તહેવારો દરમિયાન વાહન અકસ્માતોના કેસોમાં નોંધપાત્ર વધારો થવાની આગાહી છે. સામાન્ય દિવસોમાં સરેરાશ 646 વાહન અકસ્માતના કેસ સામે દિવાળીના દિવસે 1,216 કેસ નોંધાવાની શક્યતા છે. નવા વર્ષે આ આંકડો વધીને 1,556 સુધી પહોંચી શકે છે, જે સામાન્ય દિવસોની સરખામણીએ 140.87% વધુ છે. ભાઈબીજના દિવસે 1,016 વાહન અકસ્માતના કેસ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
ટુ-વ્હીલર અકસ્માતના 1,197 કેસ થઇ શકે
વાહનના પ્રકાર પ્રમાણે જોઈએ તો નવા વર્ષે ટુ-વ્હીલર અકસ્માતના 1,197 કેસ થવાની આશંકા છે, જ્યારે સામાન્ય દિવસોમાં આ સરેરાશ 504 છે. થ્રી-વ્હીલર અકસ્માતના કેસ 34થી વધીને 135 સુધી પહોંચી શકે છે.
મારામારી અને દાઝવાના બનાવોમાં પણ ઉછાળો
તહેવારો દરમિયાન શારીરિક હુમલાના બનાવોમાં પણ મોટો વધારો થવાની શક્યતા છે. સામાન્ય દિવસોમાં સરેરાશ 204 શારીરિક હુમલાના કેસ સામે દિવાળીના દિવસે 567 અને નવા વર્ષે 570 કેસ નોંધાવાની આગાહી છે. દાઝવાના બનાવોમાં પણ દિવાળીના દિવસે મોટો ઉછાળો આવી શકે છે. સામાન્ય દિવસોમાં સરેરાશ 11 કેસની સામે દિવાળીના દિવસે 73 કેસ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત ઊંચાઈ પરથી પડવા અને અન્ય ઇજાઓના કેસોમાં પણ વધારો થવાનું અનુમાન છે.
બપોરથી રાત સુધી ઇમરજન્સી કેસોનું ભારણ
108ના સમયગાળા પ્રમાણેના અનુમાન મુજબ બપોરે 12 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ઇમરજન્સી કેસોમાં વધારો જોવા મળી શકે છે. ખાસ કરીને દિવાળીની રાત્રે 8થી 11 વાગ્યા દરમિયાન કેસોનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા છે. રાત્રે 10 વાગ્યે દિવાળીના દિવસે 437 કેસ થવાનું અનુમાન છે, જ્યારે સામાન્ય દિવસોમાં આ સરેરાશ 254 છે.
આ જિલ્લાઓમાં વધુ ઇમરજન્સી કેસની શક્યતા
108ના અનુમાનમાં આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, દાહોદ, ગીર સોમનાથ, કચ્છ, મોરબી, નર્મદા, પંચમહાલ, પોરબંદર, સુરત, વડોદરા અને વલસાડ જિલ્લાઓમાં ઇમરજન્સી કેસોમાં વધુ વધારો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જિલ્લાવાર અનુમાન પ્રમાણે નવા વર્ષે અમદાવાદમાં 1,078, સુરતમાં 697 અને વડોદરામાં 364 ઇમરજન્સી કેસ નોંધાવાની શક્યતા છે. જ્યારે ભાઈબીજના દિવસે અમદાવાદમાં 1,112, સુરતમાં 638 અને વડોદરામાં 296 કેસ થવાનું અનુમાન છે
108ની ટીમે કર્યું આગોતરું આયોજન
તહેવારો દરમિયાન વધારાના કેસોને પહોંચી વળવા માટે 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસિસે આગોતરી તૈયારીઓ કરી છે. ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં ઝીરો લીવ અને સાપ્તાહિક રજાના નિયંત્રણ સાથે ડ્યૂટી રોસ્ટર અમલમાં મૂકવામાં આવ્યો છે. મુખ્ય હોસ્પિટલોમાં ફીલ્ડ સ્ટાફ અને સુપરવાઇઝર સ્ટાફની તૈનાતી કરવામાં આવી છે.
સ્ટેન્ડબાય સપોર્ટ ટીમો તૈયાર
તમામ જિલ્લાઓમાં સ્ટેન્ડબાય સપોર્ટ ટીમો તૈયાર રાખવામાં આવી છે. એમ્બ્યુલન્સમાં ટેકનિકલ ખામી ન સર્જાય તે માટે અગાઉથી સર્વિસિંગ અને જાળવણી કરવામાં આવી છે. દવાઓ અને મેડિકલ ઉપકરણોનો પૂરતો તેમજ વધારાનો જથ્થો પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે.
રાજ્યમાં 1,494 એમ્બ્યુલન્સ તૈનાત
રાજ્યભરમાં 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસિસનો 1,494 એમ્બ્યુલન્સનો કાફલો કાર્યરત છે. દરેક ઇમરજન્સી કોલ માટે નજીકની યોગ્ય એમ્બ્યુલન્સની સ્વચાલિત ફાળવણી કરવામાં આવે છે અને દરેક કેસનું રિયલ ટાઇમ મોનિટરિંગ થાય છે. 108નો સરેરાશ રિસ્પોન્સ ટાઇમ 12 મિનિટ અને 53 સેકન્ડ હોવાનું જણાવાયું છે.
112 જનરલ ઇમરજન્સી સેવા સાથે પણ સંકલન
આ ઉપરાંત 112 જનરલ ઇમરજન્સી સેવા સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે. નાગરિકો ઇમરજન્સી સહાય માટે 108 અથવા 112 બંનેમાંથી કોઈપણ નંબર પર સંપર્ક કરી શકે છે.
નાગરિકોને સાવચેતી રાખવા અપીલ
108 દ્વારા નાગરિકોને વાહન ચલાવતી વખતે, ફટાકડા ફોડતી વખતે અને ખાદ્યપદાર્થોનું સેવન કરતી વખતે પૂરતી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. તહેવારોની ઉજવણી દરમિયાન નાની-નાની સાવચેતી રાખવાથી અનિચ્છનીય ઇમરજન્સી ટાળી શકાય છે. કોઈપણ ઇમરજન્સીની સ્થિતિમાં વિલંબ કર્યા વિના તાત્કાલિક તબીબી સહાય માટે 108 પર ફોન કરવા પણ અપીલ કરાઈ છે.
આ પણ વાંચો : Explainer : અમેરિકામાં ડેમોક્રેટ્સની સરસાઈથી ટ્રમ્પ સામે 5 મોટા પડકાર, ભારતીય મૂળના ઉમેદવારોનો દબદબો, ભારતને શું અસર ?