હળવદ-માળીયા હાઈવે પર આવેલી હરીદર્શન ચોકડી પાસે આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પરથી પસાર થઈ રહેલા એક ટ્રેલરની પાછળ પૂરપાટ ઝડપે આવતું ડમ્પર ધડાકાભેર ઘુસી જતાં અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ડમ્પરના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ચાલક કેબિનમાં જ દબાઈ ગયો હતો. હરીદર્શન ચોકડી પાસે જ્યારે ટ્રેલર બમ્પ પસાર કરી રહ્યું હતું, ત્યારે પાછળથી આવતા ડમ્પરના ચાલકે અચાનક બ્રેક મારવાનો પ્રયત્ન કર્યો હતો.


અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં

જોકે, બ્રેક ન લાગવાને કારણે ડમ્પર સીધું જ ટ્રેલરના પાછળના ભાગે અથડાયું હતું. આ ટક્કરને કારણે ડમ્પરની કેબિન વળી ગઈ હતી અને ચાલક તેમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો અને વાહનચાલકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ડ્રાઈવરને બહાર કાઢવા માટે સ્થાનિકોએ પ્રયાસો કર્યા હતા, પરંતુ કેબિન લોખંડમાં દબાઈ ગઈ હોવાથી સફળતા મળી નહોતી. અંતે, ક્રેનની મદદ લેવામાં આવી હતી.

અકસ્માતમાં ડમ્પર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

છેલ્લા એક કલાકથી વધુ સમય સુધી ક્રેન વડે પતરાં ખેંચીને ડ્રાઈવરને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. લાંબી જહેમત બાદ ડમ્પર ચાલકને લોખંડના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: