સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હિંમતપુર ગામે એક દાયકા જૂની અને બિનઉપયોગી બનેલી પાણીની ટાંકીને રવિવારે સાંજે માત્ર પળવારમાં તોડી પાડવામાં આવી હતી. જેસીબીની મદદથી તાર બાંધીને ખેંચતા જ 40 ફૂટ ઊંચી આ ટાંકી પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી.
10 વર્ષ જૂનું માળખું હરાજી બાદ હટાવાયું
હિંમતપુર ગામની આશરે 1700થી વધુની વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી વર્ષ 2014-15માં વાસ્મો (WASMO) દ્વારા આ ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 5000 લીટરની ક્ષમતા ધરાવતી આ ટાંકી છેલ્લા કેટલાંક સમયથી બિનઉપયોગી હાલતમાં હતી. આથી, ગ્રામ પંચાયત દ્વારા નિયમ મુજબ તેની હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ₹32,400ની હરાજી બાદ કોન્ટ્રાક્ટરને તેને તોડી પાડવાનું કામ સોંપાયું હતું.
માત્ર 5 સેકન્ડના ટૂંકા ગાળામાં માળખું જમીનદોસ્ત
રવિવારે સાંજે જ્યારે ટાંકી તોડવાની કામગીરી શરૂ થઈ ત્યારે આસપાસના લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષાના સાવચેતીના પગલાં રૂપેટાંકીના મુખ્ય પિલરોને નબળા કરવામાં આવ્યા હતા.ત્યારબાદ મજબૂત તાર બાંધીને જેસીબી (JCB) મશીન વડે તેને એક તરફ ખેંચવામાં આવી હતી.ખેંચાણ આપતાની સાથે જ માત્ર 5 સેકન્ડના ટૂંકા ગાળામાં સમગ્ર માળખું ધૂળની ડમરીઓ સાથે જમીનદોસ્ત થઈ ગયું હતું.
ગામમાં પાણીની વૈકલ્પિક વ્યવસ્થા
હિંમતપુર ગામે હવે પાણીના સંગ્રહ માટે જૂની ટાંકીની જરૂરિયાત ન હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ગ્રામજનોને પીવાનું પાણી પૂરું પાડવા માટે ગામમાં ત્રણ બોર કાર્યરત છે, જેના દ્વારા સવાર-સાંજ બે સમય નિયમિત રીતે પાણીનું વિતરણ કરવામાં આવે છે. આ ટાંકી ધરાશાયી થતાં હવે તે જગ્યાનો ઉપયોગ અન્ય કોઈ જાહેર કાર્ય માટે કરી શકાશે.
આ પણ વાંચો:અબ્રામામાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો, 1.41 લાખની મત્તા અને બાઈક લઈને ફરાર