જિલ્લાના અબ્રામા વિસ્તારમાં તસ્કરોએ કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતા એક બંધ મકાનમાં હાથફેરો કર્યો છે. શિયાળાની કકડતી ઠંડીનો લાભ ઉઠાવી તસ્કરો સોનાના દાગીના અને પાર્કિંગમાં મુકેલી મોટરસાયકલ સહિત કુલ ₹1.41 લાખ થી વધુની મત્તા ચોરી કરી પલાયન થઈ ગયા છે.


પરિવાર ધરમપુર ગયો ને પાછળથી ચોરી થઈ

ઘટનાની વિગત મુજબ, અબ્રામાના છોટુપાર્ક-1 માં રહેતા તેજશકુમાર બાલુભાઈ પટેલ ગત રાત્રે પોતાના પરિવાર સાથે ધરમપુર ખાતે સસરાના ઘરે રોકાવવા ગયા હતા. આ દરમિયાન તેમનું મકાન બંધ હતું. તસ્કરોએ આ તકનો લાભ ઉઠાવી 28 ડિસેમ્બરના રોજ વહેલી સવારે 03:00 થી 07:00 ના સમયગાળામાં મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.

ચોરી થયેલ મુદ્દામાલની વિગત

તસ્કરોએ ઘરના બેડરૂમમાં રાખેલા કબાટને ફંફોસીને સોનાના દાગીના આશરે ₹1,06,438 ની કિંમતના વિવિધ ઘરેણાં. મોટરસાયકલ પાર્કિંગમાં ઊભી રાખેલી ₹35,000 ની બાઈક.કુલ ચોરી: ₹1,41,438 નો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા છે. સવારે જ્યારે પડોશીએ ઘરનું તાળું તૂટેલું જોયું ત્યારે તેમણે તેજશકુમારને જાણ કરી હતી. ઘરે આવીને જોતા ઘરનો સામાન અસ્તવ્યસ્ત હતો અને કિંમતી ચીજવસ્તુઓ ગાયબ હતી.

CCTV માં કેદ થયા તસ્કરો

પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આસપાસના સીસીટીવી ફૂટેજમાં બે અજાણ્યા ઇસમો મોઢે રૂમાલ બાંધીને શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા. તસ્કરો એટલા સાતિર હતા કે તેમણે કેમેરા ઢાંકવાનો પણ પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, આ ટોળકીએ પડોશના અન્ય બંધ મકાનોના તાળા તોડવાનો પણ નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજનું મહાસંમેલન, મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં નવનિયુક્ત મંત્રીઓ અને પ્રદેશ પ્રમુખનું ભવ્ય અભિવાદન

  • Follow us on: