કહેવાય છે કે 'જીવદયા એ જ પ્રભુ સેવા'. આ ઉક્તિને સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ટોલ ડુંગરી ગામના એક ખેડૂતે સાર્થક કરી બતાવી છે. 150 ફૂટ ઊંડા અંધારિયા કૂવામાં પડેલા એક અંધ શ્વાનને સતત 25 દિવસ સુધી જીવતું રાખીને ખેડૂતે માનવતાની મહેક પ્રસરાવી છે.
25 દિવસ સુધી અબોલ જીવની સેવા
થોડા દિવસો પહેલા એક અંધ શ્વાન અચાનક ગામના સીમમાં આવેલા 150 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયું હતું. આ ઘટનાની જાણ એક સ્થાનિક ખેડૂતને થઈ હતી. કૂવો ઘણો ઊંડો હોવાથી શ્વાનને બહાર કાઢવું મુશ્કેલ હતું, પરંતુ ખેડૂતે હિંમત હાર્યા વગર 25 દિવસ સુધી દરરોજ કૂવામાં ખોરાક અને પાણી પહોંચાડી આ અબોલ જીવની સંભાળ લીધી હતી. ખેડૂતની આ જીવદયાની ભાવનાએ સમગ્ર પંથકમાં લોકોના દિલ જીતી લીધા છે.
ફાયર વિભાગનું સફળ રેસ્ક્યૂ
જ્યારે આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી, ત્યારે ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઊંડા કૂવામાં ઉતરીને ભારે જહેમત બાદ અંધ શ્વાનને હેમખેમ બહાર કાઢવામાં આવ્યું હતું. ૨૫ દિવસના લાંબા સંઘર્ષ બાદ જ્યારે શ્વાન બહાર આવ્યું, ત્યારે તેણે જે રીતે લોકોનો આભાર માન્યો તે દ્રશ્ય જોઈને સૌ કોઈ ભાવુક થઈ ગયા હતા.
આ પણ વાંચો: Ahmedabad: આંબાવાડીમાં વેપારીના પિતા પર હુમલો કરી 26 લાખની ચોરી કરનાર 3 શખ્સો ઝડપાયા