સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-શામળાજી હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે. હિંમતનગર તાલુકાના ગાંભોઈ ઓવરબ્રિજ પર આજે એક બેફામ કારે બાઇકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઇક સવાર આધેડ પતિનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેમના પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


ગાંભોઈ ઓવરબ્રિજ પર અકસ્માત

મળતી માહિતી મુજબ, હિંમતનગરના બેરણા ગામના વતની જશુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ (ઉં.વ. 62) અને તેમના પત્ની રમીલાબેન આજે પોતાના બાઇક પર સુરજપુરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ગાંભોઈ ઓવરબ્રિજ પરથી પસાર થતી વખતે પાછળથી પૂરઝડપે આવતી એક કારના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે દંપતી રોડ પર ફંગોળાયું હતું.

સારવાર દરમિયાન દમ તોડ્યો

અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર રીતે ઘાયલ દંપતીને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન જશુભાઈ પટેલનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. જ્યારે રમીલાબેન હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યા છે.


આ પણ વાંચો: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આજ રાતથી અલકાપુરી ગરનાળુ બંધ, ટ્રાફિક ડાયવર્ઝન અંગે જાહેરનામું પ્રસિદ્ધ

  • Follow us on: