હિંમતનગર તાલુકાના ખેડાવાડા ગામમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ખેતર તરફ જઈ રહેલા એક ટ્રેક્ટરની ટ્રોલી જીવંત વીજતારને અડી જતાં સર્જાયેલા વીજ કરંટમાં સગા ભાઈ-બહેનના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સાબરકાંઠા વીજ કરંટથી મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડાવાડા ગામમાં રહેતા પ્રજાપતિ પરિવારના સભ્યો ટ્રેક્ટર લઈને ખેતર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક ટ્રેક્ટરની ટ્રોલીનો ઉપરનો ભાગ રોડ પરથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનના જીવંત તારને અડકી ગયો હતો. ટ્રોલી લોખંડની હોવાથી આખા ટ્રેક્ટરમાં વીજળીનો જોરદાર કરંટ ઉતરી આવ્યો હતો.

ભાઈ-બહેનનું કરુણ મોત

આ કરુણ દુર્ઘટનામાં ટ્રેક્ટર પર સવાર કાળાભાઈ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ અને તેમના બહેન સરોજબેન વિઠ્ઠલભાઈ પ્રજાપતિને વીજળીનો જોરદાર આંચકો લાગ્યો હતો. કરંટ એટલો ભયાનક હતો કે બંને ભાઈ-બહેનના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. એક જ પરિવારના બે સભ્યોના અકાળે અવસાનથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે.

આ પણ વાંચો: Amreli: રાજુલાના છતડીયા નજીક ડીઝલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ, પોલીસે વાહનવ્યવહાર અટકાવ્યો