સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આવેલા પાણપુર વિસ્તારમાં આજે એક સામાન્ય બાબતે મોટું સ્વરૂપ ધારણ કરતા વિસ્તારમાં તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. પાણપુર પોલીસ ચોકી પાસે એક હોમગાર્ડ જવાન અને સ્થાનિક લઘુમતી યુવક વચ્ચે કોઈ અકળ કારણોસર ઘર્ષણ થયું હતું, જે બાદ મામલો ગરમાયો હતો.

પોલીસ ચોકીએ ઉમટ્યા ટોળા

બનાવની જાણ થતા જ સ્થાનિક લઘુમતી સમાજના લોકો મોટી સંખ્યામાં પાણપુર પોલીસ ચોકીએ એકઠા થઈ ગયા હતા. હોમગાર્ડ જવાન અને યુવક વચ્ચે થયેલી અથડામણ બાદ લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને વાતાવરણ તંગ બની ગયું હતું. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસ તરત જ હરકતમાં આવી હતી.

ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તૈનાત

પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે હિંમતનગરના DYSP સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક અસરથી પાણપુર પોલીસ ચોકી ખાતે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને ઉશ્કેરાયેલા લોકોને શાંત પાડવા અને મામલો થાળે પાડવા માટે સમજાવટની કામગીરી હાથ ધરી હતી. હાલમાં સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પોલીસની તપાસ અને કાર્યવાહી

પોલીસ દ્વારા હાલમાં બંને પક્ષોની વાત સાંભળીને કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્થિતિ હાલમાં નિયંત્રણ હેઠળ છે અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Patan: ખંડણીખોર ભાવેશ જીલીયાના ફાર્મ હાઉસ પર સતત બીજા દિવસે ડિમોલિશન યથાવત