સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. હિંમતનગર નજીક આગીયોલ ગામ પાસે નેશનલ હાઈવે પર બટાકાની આડશમાં લઈ જવામાં આવતા વિદેશી દારૂના મસમોટા જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે 81 લાખનો દારૂ અને ટ્રક મળી કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના ચાલકની ધરપકડ કરી છે.


બટાકાની આડશમાં લઈ જવામાં આવતા વિદેશી દારૂ ઝડપાયો

સાબરકાંઠા LCB PI ડી.સી. સાકરિયાના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન ડ્રાઇવ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, શામળાજી તરફથી એક ટ્રકમાં બટાકાની નીચે દારૂ છુપાવીને અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે આગીયોલ ગામ પાસે વોચ ગોઠવી હતી.

બટાકાના કોથળા હટાવતા જ પોલીસ ચોંકી ઉઠી

બાતમી મુજબના ટાટા ટ્રક (નંબર RJ18GA5196) ને અટકાવી જ્યારે તલાશી લેવામાં આવી, ત્યારે ટ્રકની પાછળ બટાકાના કોથળા ભરેલા હતા. જોકે, પોલીસે કોથળા હટાવતા જ નીચેથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓનો ખડકલો જોવા મળ્યો હતો.

ખોટી નંબર પ્લેટ અને ચાલકની ધરપકડ

પોલીસ તપાસમાં સામે આવ્યું કે પકડાયેલા ટ્રક પર લગાવેલ નંબર RJ18GA5196 ખોટો હતો, જ્યારે તેનો સાચો રજીસ્ટ્રેશન નંબર RJ18GA5195 હતો. પોલીસે ટ્રક ચાલક બિરબલનાથ રેખનાથ ચૌહાણ (રહે. બિકાનેર, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનથી લોડ કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે બે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આ માલ ક્યાં ઉતરવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે, તે દિશામાં તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો:સતલાસણામાં વેપારી પાસે 15 લાખની ખંડણીની માગણી કરી, પૈસા નહીં આપે તો પત્ની-બાળકોને ઉપાડી જઈશ

  • Follow us on: