મહેસાણા જિલ્લાના સતલાસણામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જનતા માર્કેટમાં સોના-ચાંદીનો વેપાર કરતા એક વ્યાપારી પાસે મોટા કોઠાસણાના એક શખ્સે રૂ. 15 લાખની ખંડણી માંગી, પરિવારને જાનથી મારી નાખવાની અને વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે.


 સોના-ચાંદીનો વેપાર પાસે ખંડણી માંગી

સતલાસણાની સત્યમ સોસાયટીમાં રહેતા અને 'શિવમ જ્વેલર્સ'ના માલિક વિજયભાઈ પંચાલ જ્યારે બજારમાં હતા, ત્યારે મોટા કોઠાસણા ગામનો ઉપેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુભા ચૌહાણ નામનો શખ્સ તેમની પાસે આવ્યો હતો. આરોપીએ વેપારીને રોકીને ધમકી આપી હતી કે, "જો તારે સતલાસણા બજારમાં જ્વેલર્સની દુકાન ચલાવવી હોય તો મને 15 લાખ રૂપિયા આપવા પડશે."

પરિવારને ઉપાડી જવાની અને ખોટા કેસની ધમકી

વેપારીએ પૈસા આપવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને અત્યંત ગંભીર ધમકીઓ આપી હતી. આરોપીએ કહ્યું હતું કે, જો રૂપિયા નહીં આપે તો તે વેપારીને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેશે. આટલેથી ન અટકતા, આરોપીએ વેપારીની પત્ની અને બાળકોને પણ ઉપાડી જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો ભાંડી હતી.

વ્યાપારીઓએ હિંમત આપતા પોલીસ ફરિયાદ

આ અચાનક આવેલી ધમકીથી વિજયભાઈ પંચાલ ગભરાઈ ગયા હતા. તેમણે આ બાબતે બજારના અન્ય વેપારીઓને જાણ કરી હતી. અન્ય વેપારીઓએ એકઠા થઈ વિજયભાઈને હિંમત આપી હતી અને કાયદાકીય રસ્તો અપનાવવા સલાહ આપી હતી. આખરે, વેપારીએ હિંમત ભેગી કરી સતલાસણા પોલીસ મથકમાં ઉપેન્દ્રસિંહ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: જગુદણની સીમમાં ખેતરના શેઢે ચાલતું દારૂનું કટિંગ ઝડપાયું, 693 બોટલો સાથે 6.39 લાખનો મુદ્દામાલ જપ્ત



  • Follow us on: