સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાની હરસોલ સબ પોસ્ટ ઓફિસમાં લાખો રૂપિયાની ઉચાપતનો મામલો સામે આવતા સરકારી તંત્ર અને ખાતેદારોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. બચત ખાતાધારકોની મહેનતની કમાણીના અંદાજે ₹77.17 લાખ ઓળવી જનારા ચાર કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હરસોલ સબ પોસ્ટ ઓફિસમાં લાખો રૂપિયાની ઉચાપતનો મામલો
પ્રાપ્ત વિગતો અનુસાર, નવ મહિના અગાઉ હરસોલ સબ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા ત્રણ પોસ્ટલ આસિસ્ટન્ટ અને સબ પોસ્ટમાસ્ટરે સાથે મળીને એક પૂર્વઆયોજિત કાવતરું રચ્યું હતું. આ ટોળકીએ ખાતાધારકોના નાણાં જમા કરવાને બદલે પર્સનલ ઉપયોગમાં લઈ કુલ ₹77,17,387ની ઉચાપત કરી હતી. પોસ્ટ વિભાગની આંતરિક તપાસ દરમિયાન આ મોટું કૌભાંડ સપાટી પર આવ્યું હતું.
ફરજમુક્ત કરાયેલા ચાર આરોપીઓ
પોસ્ટ વિભાગ દ્વારા તપાસના આધારે નીચે મુજબના કર્મચારીઓને તાત્કાલિક ફરજમુક્ત કરી દેવામાં આવ્યા છે. શુભમ કર્મબીર રાઠી (પોસ્ટલ આસિસ્ટન્ટ - પાણીપત),વિપુલ કનૈયાલાલ ભટ્ટ (પોસ્ટલ આસિસ્ટન્ટ - તલોદ),મહેબૂબ વલીભાઈ મનસુરી (પોસ્ટલ આસિસ્ટન્ટ - ઈડર),નટવર સુરજીભાઈ અસારી (સબ પોસ્ટમાસ્ટર - ભિલોડા).
પોલીસ કાર્યવાહી અને રિમાન્ડ
આ મામલે મિતેશકુમાર પ્રજાપતિની ફરિયાદના આધારે તલોદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે મુખ્ય આરોપીઓ પૈકીના વિપુલ ભટ્ટ અને શુભમ રાઠીની ધરપકડ કરી લીધી છે. આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા, નામદાર કોર્ટે તેમને 20 જાન્યુઆરી, 2026 સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ પણ વાંચો:સરકારી કચેરીના તાળા તૂટ્યા, દસ્તાવેજો વેરવિખેર કરી તસ્કરો ફરાર, તંત્રમાં ભારે ફફડાટ