શહેરના હાર્દ સમાન એસ.ટી. રોડ પર આવેલી જિલ્લા પંચાયત હસ્તકની માર્ગ અને મકાન વિભાગની પેટા કચેરીમાં રાત્રિના સમયે તસ્કરોએ ત્રાટકીને ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જોકે, ચોરી કરવાના ઈરાદા કરતા દસ્તાવેજો સાથે ચેડાં કરવાના હેતુથી આ કૃત્ય આચરવામાં આવ્યું હોય તેવી આશંકા સેવાઈ રહી છે, જેને પગલે સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
સ્કૂટરના અરીસાના સળિયાથી તાળા તોડ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર, એસ.ટી. રોડ પર સ્થિત 'નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી, પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ'ના જૂના બિલ્ડિંગમાં અજાણ્યા શખ્સોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી પ્રવેશ કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે, તસ્કરોએ તાળા તોડવા માટે કોઈ મોટા હથિયારને બદલે સ્કૂટરના અરીસાના સળિયાનો ઉપયોગ કર્યો હતો.
તસ્કરોએ ત્રણ કબાટ ફંફોળ્યા
કચેરીમાં પ્રવેશ્યા બાદ અજાણ્યા શખ્સોએ ઓફિસમાં રાખેલા ત્રણ મહત્વના કબાટોના લોક તોડ્યા હતા. અંદર રહેલી ફાઈલો અને સરકારી દસ્તાવેજોને બહાર કાઢી આખી ઓફિસમાં વેરવિખેર કરી નાખ્યા હતા. શનિવારે સવારે જ્યારે અધિક મદદનીશ ઈજનેર એન.ડી. લાલચેતા ઓફિસે પહોંચ્યા ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. તેમણે જોયું કે મુખ્ય દરવાજો અડધો ખુલ્લો હતો અને અંદર સામાન વેરવિખેર પડ્યો હતો.
શું કોઈ મહત્વની ફાઈલ ગાયબ છે?
સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે કચેરીમાં કોઈ કિંમતી સામાન હોવા છતાં માત્ર ફાઈલો જ કેમ ફંફોળવામાં આવી? પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ મોટી વસ્તુની ચોરી થઈ હોવાનું જણાતું નથી, પરંતુ કોઈ ચોક્કસ પ્રોજેક્ટ કે ટેન્ડરને લગતા દસ્તાવેજો જોવાની ગણતરીએ આ કામ કરવામાં આવ્યું હોવાની ચર્ચા કચેરીમાં જોર પકડી રહી છે.
આ પણ વાંચો:હજીરા બોટ સ્પર્ધામાં મોટી દુર્ઘટના ટળી, નાવિકોની બોટ પલટી જતાં મચી અફરાતફરી