સાબરકાંઠાના આગીયોલ ગામમાં એક વર્ષ જૂની અદાવતે ભયાનક સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પંથક હચમચી ઉઠ્યો છે. બાળકો વચ્ચેની સામાન્ય ગણાતી જૂની બોલાચાલીમાં 70 વર્ષીય મોહનભાઈ રાવળ નામના વૃદ્ધની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી છે. જોકે, આ ઘટનામાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે હત્યાના ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી કાનાભાઈ પરમારનો મૃતદેહ પણ ભેદી સંજોગોમાં મળી આવ્યો હતો.

જૂની અદાવત બની જીવલેણ

મળતી માહિતી મુજબ, એક વર્ષ પહેલા રમત-રમતમાં બાળકો વચ્ચે થયેલો ઝઘડો મનમાં રાખીને 40 વર્ષીય કાનાભાઈ પરમારે વયોવૃદ્ધ મોહનભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ઘાતક હતો કે મોહનભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે રાવળ પરિવારમાં માતમ છવાઈ ગયો છે અને ન્યાયની માંગ પ્રબળ બની છે.

આરોપીનું રહસ્યમય મોત

મોહનભાઈની હત્યા કર્યા બાદ ફરાર થયેલા આરોપી કાનાભાઈ પરમારની લાશ હિંમતનગરના ગામડી વિસ્તાર પાસેની અવાવરુ જગ્યાએથી મળી આવતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. જે વ્યક્તિની પોલીસ શોધખોળ કરી રહી હતી, તેનું જ મોત નીપજતા આ કેસ વધુ ગૂંચવણભર્યો બન્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કુદરતી મૃત્યુ હોવાનું મનાય છે, પરંતુ સત્ય પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ બહાર આવશે.

પોલીસ તપાસ તેજ

એક જ દિવસમાં હત્યા અને આરોપીના મોતના બેવડા બનાવથી આગીયોલ ગામમાં સન્નાટો અને ભયનો માહોલ છે. હિંમતનગર પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ આખી ઘટના કુદરતી ન્યાય છે કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ છુપાયેલું છે, તે દિશામાં પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.


આ પણ વાંચો----      Navsari : ક્વોરીના વિરોધમાં રેઠવાણીયાના ગ્રામજનો મેદાને, ચૂંટણી બહિષ્કારની ગામના લોકોની ચીમકી