હિંમતનગર નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં વિવિધ કમીટીઓની રચનાની જાહેરાત કરાયા બાદ પાલિકાના એક સિનીયર કોર્પોરેટરે ચાલુ સામાન્ય સભામાં બળાપો કાઢીને મનોવ્યથા ઠાલવી હતી. નારાજ થયેલા આ કોર્પોરેટરે હિંમતનગરમાં ભાજપમાં ચાલતી સિન્ડીકેટ સિસ્ટમ અંગેના આક્ષેપ સાથેની રજૂઆત તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને કરી છે.જેમાં વોર્ડ નં.1,8,11,9ના તથા સંગઠનના હોદેદારો પર કરેલા આક્ષેપો બુધવારે સોશિયલ મીડીયામાં વાયરલ થયા બાદ હિંમતનગર નગરપાલિકામાં ભાજપના રાજકારણમાં ભડકો શરૂ થવાના એંધાણ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહને કરેલી લેખિત રજૂઆત
હિંમતનગર પાલિકામાં સતત ત્રણ ટર્મથી ચૂંટાતા નારાજ કોર્પોરેટર ગોવિંદસિંહ રાઠોડે કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહને કરેલી લેખિત રજૂઆતમાં એવા આક્ષેપ કર્યા છે કે,તાજેતરમાં નગરપાલિકાની ચૂંટણીમાં જે ટીકીટો આપવામાં આવી હતી તેમાં વર્ષ 2022માં કોંગ્રેસમાંથી ધારાસભ્યની સાથે આવેલા કોંગ્રેસીઓને ટીકીટ અપાઈ છે. વોર્ડ નં.1માં ચૂંટાયેલા ગોપાલસિંહ રાઠોડ આજીવન કોંગ્રેસના કાર્યકર હતા અને હવે તેમને નગરપાલિકાના ઉપપ્રમુખ બનાવી દેવાયા છે.તેજ પ્રમાણે તેજલબેન રાવલના સસરા કોંગ્રેસમાંથી આવ્યા છે. તેઓ પ્રાથમિક સભ્ય પણ નથી.વોર્ડ નં.8માં ચૂંટાયેલા ધર્મરાજસિંહ દેવડાના પિતા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ ધર્મરાજસિંહને ભાજપે ટીકીટ આપી છે.વોર્ડ નં.11માં ભાનુભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લા પ્રમુખના ગામના છે.હિંમતનગરમાં બે વર્ષથી રહેવા આવ્યા પછી સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ સીધા કોર્પોરેટર બની ગયા છે.
પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં પુરાવા સાથે રજૂઆત
ટીપી ચેરમેન ગોપાલ પ્રજાપતિ ઉપર ચેક રિર્ટનની અનેક ફરિયાદો થઈ છે.ટીકીટ વહેંચણી વખતે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં પુરાવા સાથે રજૂઆત કરાઈ હોવા છતાં જિલ્લા સેંગઠનના મહામંત્રી બિપીન ઓઝાએ ગોપાલ પ્રજાપતિની તરફેણ કરી હોવાનો રજૂઆતમાં આક્ષેપ કરાયો છે.વોર્ડ નં.6માં ચૂંટાયેલા અને બિલ્ડર હિતેશ પટેલ ભાજપના કાર્યકર કે પ્રાથમિક સભ્ય નથી.છતાં તેમને સંગઠનના આ પદાધિકારીએ ટીકીટ અપાવી હોવાનું શહેરમાં ચર્ચાઈ રહ્યું છે.નગરપાલિકામાં ચૂંટાયેલા જતિન કહાર તેમના પિતાના અવસાન બાદ ભાજપના કોઇ કાર્યક્રમમાં આવ્યા નથી છતાં તેમને ટીકીટ મળી છે.વોર્ડ નં.9માં દિનેશ પરમાર અને જિલ્લા સંગઠનના એક પદાપિકારી વ્યવસાયમાં ભાગીદાર હોવાને નાતે કોર્પોરેટરની ટીકીટ મળી છે.રૂચી શાહને પણ સંબધી હોવાને નાતે ટીકીટ મળી હતી.તેવું જ ભૂમિબેન મહેતા, દર્શનાબેન પંચાલ, વૈદેહી સોનીને પણ આ પદાધિકારીએ વગ વાપરીને કોર્પોરેટરની ટીકીટ અપાવી વિજયી બનાવવા માટે અથાગ પ્રયાસ કર્યા હતા
તાલુકામાથી એકપણ કાર્યકરને મહત્વનો હોદ્દો અપાયો નથી
ગોવિંદસિંહ રાઠોડે એવો પણ આક્ષેપ કર્યો છે કે, દક્ષાબેન રાઠોડ પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાના મિત્રના બહેન છે.તેઓ ગાંધીનગર રહે છે.તેમને પણ ટીકીટ મળી, હિરવાબેન સાધુને પણ ટીકીટ મળી હતી.આમ ભાજપના પાયાના કાર્યકરોને સાઇડલાઇન કરી દેવાયા છે અને મુળ કોંગ્રેસીઓને ટીકીટ અપાઈ છે જેના લીધે હિંમતનગરમાં કોંગ્રેસ મુક્ત ભારત બનાવવા નિકળેલ રાજકારણીઓ ભાજપને કોગ્રેસ યુકત ભાજપ બનાવી રહ્યા છે.હિંમતનગર તાલુકામાં અને શહેરમાં ઠાકોર સમાજની સૌથી વધુ વસ્તી હોવા છતાં તાલુકામાથી એકપણ કાર્યકરને મહત્વનો હોદ્દો અપાયો નથી.
આ પણ વાંચોઃ Gujarat News: ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી ચાર ઉમેદવારો જાહેર કર્યા