સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-ઇડર સ્ટેટ હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. હિંગળાજ ભેટાલી પાસે હુસેલ ભરેલા ટ્રેક્ટર અને એક ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.


હિંમતનગર-ઇડર હાઈવે પર અકસ્માત

પ્રાપ્ત માહિતી અનુસાર, હુસેલ ભરેલું ટ્રેક્ટર હાઈવે પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રક સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રેક્ટર હાઈવે પર જ પલટી મારી ગયું હતું, જ્યારે ટ્રક રોડની સાઈડમાં લાગેલી રેલિંગ તોડીને આગળ વધી ગઈ હતી. અકસ્માતને પગલે ટ્રેક્ટરમાં ભરેલો સામાન રોડ પર ફેલાઈ જતાં હિંમતનગર-ઇડર હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

બચાવ કામગીરી અને પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ મારફતે ત્રણેય ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, જાદર પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ક્રેન તેમજ અન્ય સાધનોની મદદથી ટ્રેક્ટર હટાવી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરાવી હતી. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Gandhinagar: 31 માર્ચે PM મોદી જૈન મ્યુઝિયમનું કરશે લોકાર્પણ, રાણકપુર શૈલી અને આધુનિક કલાનો અનોખો સંગમ


  • Follow us on: