સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા ઈડર-ભિલોડા નેશનલ હાઇવે પર રેવાસ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. એક રીક્ષા અને કાર વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં કુલ ચાર લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટના પાછળનું મુખ્ય કારણ હાઇવેનું અધૂરું અને મંથરગતિએ ચાલતું કામ હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, રોડનું કામ સંભાળતા કોન્ટ્રાક્ટરની ધીમી અને બેદરકારીભરી કામગીરીને કારણે હાઈવે પર વારંવાર અકસ્માતો સર્જાય છે.
સાબરકાંઠામાં અકસ્માતનો સિલસિલો
સ્થાનિકોએ આ અંગે અગાઉ અનેક વખત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં કામગીરીમાં કોઈ ઝડપ આવી નથી. સ્થાનિકોનો સ્પષ્ટ આરોપ છે કે, રોડના અધૂરા કામને કારણે રસ્તાઓ પર ઠેરઠેર અવ્યવસ્થા છે, જેના પરિણામે જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આ અકસ્માત બાદ કોન્ટ્રાક્ટર અને તંત્રની લાપરવાહી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ ઘટનાએ નેશનલ હાઇવેના અધૂરા કામની ગુણવત્તા અને ઝડપ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.













