સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લગ્નના બહાને લૂંટી લેતી લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરમાં પણ આવી જ એક છેતરપીંડી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે.લગ્નવાંછુક યુવાનોને જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવતી લૂંટેરી દુલ્હન ગેંગના 9 પૈકી બે મહિલા સહિત 4 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ ચાલુ છે. આ ટોળકી લગ્ન ઈચ્છુક યુવકોને પોતાની જાળમાં ફસાવી પહેલા લગ્ન કરાવતી અને ત્યારબાદ ચારથી પાંચ દિવસમાં બહાના બનાવી યુવકોને છોડી ભાગી જતી હતી.


હિંમતનગરમા પરિવારે મેરેજ બ્યુરો ખોલ્યો હતો

આ સમગ્ર કિસ્સામાં ટોળકી પોતાના જ ઘરમાં મેરેજ બ્યુરો શરૂ કરી લગ્ન ઈચ્છુક યુવાનોને ફસાવવાનું કામ કરતી હતી.ત્યારબાદ ખોટી રીતે દબાણ કરી છૂટાછેડા લેવડાવી એ જ યુવતીના અન્ય યુવક સાથે ફરી લગ્ન કરાવી રૂપિયા પડાવતી હતી. આ મામલે હિંમતનગરના ભોગ બનેલા એક યુવકે હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે હજુ પાંચ મહિલા આરોપીઓને ઝડપી પાડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.

છૂટાછેડા લેવડાવી છેતરપીંડી આચરતા

સમગ્ર કેસને લઈને હિંમતનગર DySP એ.કે. પટેલે કહ્યું હતું કે, હિંમતનગર શહેરના કાંકણોલ રોડ પર આવેલી અર્બુદાનગર સોસાયટીમાં રહેતો એક પરિવાર પોતાના ઘરે જ દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો નામે મેરેજ બ્યુરો ચલાવતો હતો. આ પરિવારના સભ્યો પોતાની લગ્ન એજન્ટ તરીકે ઓળખ આપી તેઓ પોતાના મળતીયાઓ મારફતે લગ્નવાંછુક યુવાનો સાથે બોગસ લગ્ન કરાવી અને ત્યારબાદ છૂટાછેડા લેવડાવી છેતરપીંડી આચરતા હતા. આ ગેંગમાં મનોજભાઈ બાબુલાલ સોની તથા તેમની પત્ની કવિતાબેન મનોજભાઈ સોની સહિત કુલ નવ વ્યક્તિઓ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.

જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવતા

DySP એ.કે. પટેલે કહ્યું હતું કે, તેઓ અલગ-અલગ યુવકોને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવતા હતા.હાલમાં એક યુવક સાથે આવી જ છેતરપીંડી થતા તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. અત્યાર સુધીમાં ચાર યુવકો પોલીસ સમક્ષ આવ્યા છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે હિંમતનગર ઉપરાંત અન્ય કેટલાં વિસ્તારોમાં અને કેટલાં યુવકો સાથે આ રીતે છેતરપીંડી કરવામાં આવી છે.સાથે જ ઝડપાયેલા તેમજ ફરાર આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Panchmahal News: ગોધરા સબ જેલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ, મહિલા કેદીઓને કાનૂની અધિકારો અંગે માર્ગદર્શન અપાયું


  • Follow us on: