સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ મથક વિસ્તારમાં એક સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કર્યા બાદ તેની પર દુષ્કર્મ આચરવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ મામલે વડાલી પોલીસે ગણતરીના દિવસોમાં જ ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને રાજસ્થાનના શિવગંજથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ 

મળતી માહિતી મુજબ, ઈડર તાલુકાના રાવોલ ગામના એક યુવકે સગીરાને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કર્યું હતું. સગીરા અચાનક ગુમ થતા પરિવારજનોએ વડાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આરોપી સગીરાને ભગાડીને રાજસ્થાનના શિવગંજ લઈ ગયો હતો અને ત્યાં અલગ-અલગ સ્થળોએ તેની પર દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસની ત્વરિત કાર્યવાહી

વડાલી પોલીસે ગુમ થયેલી સગીરા અને આરોપીના લોકેશન મેળવવા માટે સર્વેલન્સ ટીમની મદદ લીધી હતી. લોકેશન રાજસ્થાનમાં ટ્રેસ થતા પોલીસે તાત્કાલિક એક ટીમ મોકલી આરોપીને ઝડપી પાડ્યો હતો અને સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી હતી. હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, બળાત્કાર (દુષ્કર્મ) અને પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી મેડિકલ તપાસ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Narmada: સાંસદ મનસુખ વસાવાની સંગઠન અને અધિકારીઓને સ્પષ્ટ સૂચના, વિકાસકામોમાં વેગ લાવવા અને વિવાદોથી દૂર રહેવા તાકીદ