નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે વિવિધ વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કાર્યકરો અને અધિકારીઓને આડેહાથ લીધા હતા. તેમણે કોઈની પણ ટીકા-ટિપ્પણીમાં પડ્યા વગર પ્રજાલક્ષી કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું.

મંદિરના જીર્ણોદ્ધાર અને ટ્રસ્ટ માટે સૂચના

સાંસદ મનસુખ વસાવાએ મંચ પરથી જ જિલ્લા પ્રમુખ નિલ રાવને મીઠી ટકોર કરતા જણાવ્યું હતું કે, "હરસિદ્ધિ માતાના મંદિરનું કમ્પાઉન્ડ તૂટી ગયું છે, તેની ચિંતા કરો." તેમણે કલેક્ટર નર્મદા, નગરપાલિકા પ્રમુખ અને સંગઠનને સાથે મળીને હરસિદ્ધિ માતાનું પ્રોપર ટ્રસ્ટ બને તે દિશામાં કામ કરવા સૂચના આપી હતી, જેથી રાજપીપળાના હિતમાં સુંદર કામ થઈ શકે.

ફોરલેન રસ્તાના કામમાં વિલંબ અંગે ખુલાસો

ભરૂચથી રાજપીપળાનો રસ્તો જે ફોરલેન બનવાનો છે, તેની કામગીરી કેમ અટકી પડી છે તે અંગે સાંસદે જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વચ્ચે થયેલી મારામારીને કારણે હાલ કામગીરી ઠપ્પ છે. જોકે, તેમણે આશ્વાસન આપ્યું હતું કે આ કામગીરી ટૂંક સમયમાં જ ફરી ઝડપથી શરૂ કરવામાં આવશે.

ચૂંટણી અને સંગઠનની મજબૂતી

આગામી સમયમાં કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, ભાજપ ફરી સત્તા પર આવશે અને પક્ષ વધુ મજબૂત બનશે. સંગઠનના લોકો અને અધિકારીઓને શિખામણ આપતા તેમણે અંતમાં ઉમેર્યું હતું કે, "આપણે આપણું કામ કરતા રહેવાનું છે, ટીકા-ટિપ્પણીમાં પડવાનું નથી."

આ પણ વાંચો: Surat: વરાછામાં વર્ષોથી કામ કરતા મહિલા કર્મીઓને નવા કોન્ટ્રાક્ટરે નોકરીમાંથી કાઢ્યા, ન્યાય માટે આક્રમક વિરોધ