ઉદેપુર-અમદાવાદને જોડતા નેશનલ હાઈવે 48 પર આજે એક ચાલુ કારમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના બની છે. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના રસુલપુર ગામ પાસે બનેલી આ ઘટનામાં જોતજોતામાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી અને બળીને ખાખ થઈ ગઈ હતી.

કાર ચાલકનો આબાદ બચાવ

મળતી માહિતી મુજબ, કાર જ્યારે હાઇવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એન્જિનના ભાગમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થયું હતું. કાર ચાલકે સમયસૂચકતા વાપરી તુરંત જ કારને હાઇવેની સાઈડમાં ઉભી રાખી દીધી હતી અને પોતે બહાર નીકળી ગયો હતો. ચાલકની આ ત્વરિત નિર્ણયશક્તિને કારણે તેનો જીવ બચી ગયો હતો. જો કે, થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી કાર અગનગોળો બની ગઈ હતી.

ફાયર બ્રિગેડની કામગીરી

આગની જાણ થતા જ હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અટકી ગયા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ પણ વાંચો: Junagadh: વિસાવદરમાં 75 લાખનું ક્રિપ્ટો કરન્સી કૌભાંડ, રિવોલ્વર બતાવી ફરિયાદીને ધમકાવ્યો