જૂનાગઢ જિલ્લામાં ઊંચા વળતરની લાલચે છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. વિસાવદર પંથકમાં USDT (ક્રિપ્ટો કરન્સી) માં રોકાણના બહાને એક વ્યક્તિ પાસેથી 75 લાખ પડાવી લેવાની અને ત્યારબાદ હથિયાર બતાવી ધમકાવવાની ગંભીર ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.

ઠગાઈની મોડસ ઓપરેન્ડી

ફરિયાદીના જણાવ્યા અનુસાર, ગઠિયાઓએ તેમને USDT રોકાણમાં ખૂબ જ ટૂંકા ગાળામાં ઊંચું વળતર મેળવવાની લાલચ આપી હતી. વિશ્વાસમાં લઈને આરોપીઓએ ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે ₹75 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. જ્યારે ફરિયાદીએ પોતાના નાણાં અથવા વળતરની માંગણી કરી ત્યારે આરોપીઓએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો.

રિવોલ્વર બતાવી ધમકી

આ મામલે નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ વિસાવદર વિસ્તારમાં ફરિયાદીને આંતરી રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, આરોપીઓએ બળજબરીથી ફરિયાદી પાસે અગાઉ થયેલા નાણાકીય વ્યવહારના લખાણો પણ રદ કરાવી દીધા હતા. ફરિયાદીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ગઠિયાઓ નાસી છૂટ્યા હતા.

આ પણ વાંચો: PM Modi Foreign Visit : 5 દેશના પ્રવાસ પર જશે વડાપ્રધાન મોદી, ઊર્જા સુરક્ષા અને FTA પર રહેશે ફોકસ