વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15થી 20 મે 2026 દરમિયાન પાંચ દેશોની મહત્વપૂર્ણ વિદેશ યાત્રા પર જશે. સંશોધિત કાર્યક્રમ મુજબ હવે તેમાં સંયુક્ત અરબ અમીરાત (UAE)ને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રવાસની શરૂઆત સૌથી પહેલા UAEથી થશે. આ સમગ્ર વિદેશ પ્રવાસ દરમિયાન વેપાર, ઊર્જા સુરક્ષા અને વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ મુખ્ય ચર્ચાના મુદ્દા રહેશે.

https://twitter.com/ANI/status/2053865897165795667


વડાપ્રધાન મોદી યુરોપના ચાર દેશોની મુલાકાત લેશે

મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી 15 મેના રોજ UAE પહોંચશે અને ત્યાંના રાષ્ટ્રપતિ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. આ મુલાકાત દરમિયાન પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ, ઈઝરાયલ-ઈરાન તણાવ, અમેરિકા સાથેના સંબંધો તેમજ ઊર્જા પુરવઠા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. UAE બાદ વડાપ્રધાન મોદી યુરોપના ચાર દેશોની મુલાકાત લેશે. તેમાં નેધરલેન્ડ, નોર્વે, સ્વીડન અને ઇટાલીનો સમાવેશ થાય છે.

બેઠકમાં અનેક મહત્વપૂર્ણ સમજૂતીઓ થવાની શક્યતા

15થી 17 મે દરમિયાન તેઓ નેધરલેન્ડમાં રહેશે, જ્યાં દ્વિપક્ષીય સંબંધો અને આર્થિક સહકાર અંગે ચર્ચા થશે. ત્યારબાદ 18 મેના રોજ તેઓ નોર્વેના ઓસ્લોમાં આયોજિત India-Nordic Summitમાં ભાગ લેશે. આ પછી તેઓ સ્વીડનની મુલાકાત પણ લેશે. વડાપ્રધાન મોદીની આ વિદેશ યાત્રાનો અંત ઈટાલી ખાતે થશે, જ્યાં તેઓ 19 અને 20 મેના રોજ ઈટાલીની વડાપ્રધાન મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ સમજૂતીઓ થવાની શક્યતા છે.

આ સમગ્ર પ્રવાસમાં ભારત માટે સૌથી મહત્વપૂર્ણ મુદ્દો ઊર્જા સુરક્ષા રહેશે. વૈશ્વિક તણાવ વચ્ચે તેલ અને ગેસની સ્થિર પુરવઠા જાળવવા ભારત પ્રયાસ કરશે. સાથે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ ટેકનોલોજી અને વેપાર ક્ષેત્રમાં સહકાર વધારવા પર પણ ભાર મૂકવામાં આવશે. યુરોપિયન યુનિયન સાથે મુક્ત વેપાર કરાર (FTA)ની પ્રગતિની સમીક્ષા પણ આ મુલાકાતનો મહત્વપૂર્ણ ભાગ રહેશે.

આ પણ વાંચો : Maldivesએ ભારત સરકારને ચૂકવ્યા 425 કરોડ રૂપિયા, જાણો કારણ