સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ-રણાસર હાઈવે પર આવેલી એક મોટી કાપડ ફેક્ટરીમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે. ગાડીના સીટ કવર માટે વપરાતું કાપડ બનાવતી બી.એમ.ડી. (BMD) પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં લાગેલી આ આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ગાંભોઈ-રણાસર હાઈવે પર કાપડ ફેક્ટરીમાં આગ 

મળતી માહિતી મુજબ, ફેક્ટરીમાં રાખવામાં આવેલો કાપડનો જથ્થો અત્યંત જ્વલનશીલ હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. આગ એટલી ભીષણ છે કે આકાશમાં દૂર-દૂર સુધી કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. છેલ્લા એક કલાકથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે, પરંતુ જથ્થો વધુ હોવાથી આગ હજુ પણ યથાવત છે.

શોર્ટ સર્કિટના કારણે દુર્ઘટનાની આશંકા

પ્રાથમિક તપાસમાં આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ હિંમતનગર અને મોડાસાથી ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવવાની કામગીરી હાથ ધરી છે.

આ પણ વાંચો: Rajkot: એરિયસના બિલ પાસ કરવા 45 હજારની લાંચ લેતા આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ સહિત 3 ઝડપાયા