સાબરકાંઠાના સરહદી વિસ્તારમાં ગાંધીનગર RR Cell દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોશીના-હડાદ રોડ પર વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલા બુટલેગરોને પોલીસે દબોચી લીધા છે. આ ઓપરેશન દરમિયાન બુટલેગરો અને પોલીસ વચ્ચે હાઈવે પર ફિલ્મી પીછો જોવા મળ્યો હતો.
બેરિકેટ અને વીજપોલ તોડી ભાગવાનો પ્રયાસ
મળતી વિગતો અનુસાર, ગાંધીનગર RR Cell ની ટીમને બાતમી મળી હતી કે એક ઇકો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે જ્યારે ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે બુટલેગરોએ ગાડી ઉભી રાખવાને બદલે હંકારી મૂકી હતી. ભાગવાની લાયમાં બુટલેગરોએ પોશીના પોલીસ સ્ટેશન પાસેના બેરિકેટ અને વીજ થાંભલા તોડી અકસ્માત પણ સર્જ્યો હતો, પરંતુ સતર્ક પોલીસની ટીમે પીછો છોડ્યો નહોતો.
ફિલ્મી ઢબે પીછો કરીને ધરપકડ
બુટલેગરોએ પોલીસથી બચવા માટે ગાડીને હડાદ તરફથી પાછી વાળી પોશીના તરફ દોડાવી હતી. સ્કોર્પિયોમાં સવાર પોલીસની ટીમે સતત પીછો ચાલુ રાખ્યો અને અંતે ગાડીને ચારેબાજુથી કોર્ડન કરી લીધી હતી. આ પકડ-ધકડના દ્રશ્યો નજીકના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થયા છે, જેમાં પોલીસની સ્કોર્પિયો ઇકો ગાડીનો પીછો કરતી સ્પષ્ટ દેખાય છે.
મુદ્દામાલ સાથે બુટલેગરો જેલભેગા
પોલીસે ઇકો ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના મુદ્દામાલ અને વાહન સાથે બુટલેગરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોડી રાત્રે ચાલેલી આ કાર્યવાહીને પગલે સરહદી વિસ્તારના બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: પાદરા રોડ પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર યુવકનું મોત