સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં 65 વર્ષીય સિનિયર સિટિઝન સાથે ‘ડિજિટલ એરેસ્ટ’ના નામે ₹11.71 લાખની મોટી ઠગાઈ કરાયાની ઘટના સામે આવી છે. હિંમતનગર સાયબર પોલીસ દ્વારા ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાંથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
કઇ રીતે થઈ હતી છેતરપિંડી?
હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટિઝનને લગભગ 24 દિવસ પહેલા અજાણ્યા નંબરથી વીડિયો કોલ આવ્યો. વિડિયો કોલમાં આરોપીઓએ તેમને ધમકી આપી કે તમારા ઘર આસપાસ 24 લોકો નજર રાખી રહ્યા છે. તમારો મોબાઈલ નંબર અને PAN કાર્ડ મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલો છે. ત્યારબાદ સતત 72 કલાક સુધી વીડિયો કોલ પર રાખીને ‘ડિજિટલ એરેસ્ટ’ કરવામાં આવ્યા. આ ભયના માહોલમાં રાખીને સિનિયર સિટિઝન પાસેથી રૂપિયા ટ્રાન્સફર કરાવાયા.
11,71,000 જેટલી રકમ બળજબરીપૂર્વક ટ્રાન્સફર કરાવી
ફરિયાદ મુજબ 14 ઓક્ટોબર 2025ના રોજ યુકો બેંકના ખાતામાં RTGS દ્વારા 9,70,000, 15 ઓક્ટોબર 2025ના રોજ SBI બેંકના ખાતામાં 2,01,000 મળી કુલ 11,71,000 જેટલી રકમ બળજબરીપૂર્વક ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. ફરિયાદ 9 નવેમ્બર 2025 ના રોજ હિંમતનગર સાયબર ક્રાઇમ સ્ટેશનમાં નોંધાઇ હતી.
ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓ ઝડપાયા
ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે સાયબર પોલીસની ટીમે ઉત્તરપ્રદેશ, લખનઉથી આફતાબ જુનેદ આલમ તથા રાજસ્થાન, જયપુરથી મોહમ્મદ સમીમ કુરેશીને ઝડપી લીધા હતા. બંને આરોપીઓ મૂળ ઉત્તરપ્રદેશના ભવાનીપુર, બારાબંકી ના રહેવાસી છે. ડિજિટલ એરેસ્ટથી મળેલી રકમ ઉપાડવા માટે તે લોકો રાજસ્થાન આવતા હતા.
જપ્ત માલમત્તા
પોલીસે બંને પાસેથી 2 મોબાઈલ ફોન, 12 સિમકાર્ડ, 2 પાસબુક તથા વિવિધ લોકોના નામના 4 બેન્ક ATM કાર્ડ જપ્ત કર્યા છે અને બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગવાની કાર્યવાહી કરાઇ છે.
આ પણ વાંચો---- Gandhinagar : DYCMના આદેશના પગલે રાજ્યના તમામ યાત્રાધામ અને પ્રવાસન સ્થળે સરપ્રાઈઝ ચેકીંગ