હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલનું પાર્કિંગ પણ હવે અસલામત બન્યું હોય તેવો બનાવ સામે આવ્યો છે. અહીં પાર્કિંગમાંથી રિક્ષાના ટાયર ચોરી કરતા બે શખ્સોને હોસ્પિટલના સિક્યોરિટી જવાનોએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
હોસ્પિટલનું પાર્કિંગ પણ હવે અસલામત બન્યું
પ્રાપ્ત માહિતી મુજબ, સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં ઊભી રહેલી બે રિક્ષાઓમાંથી બે શખ્સો ચોરી કરી રહ્યા હતા. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ બંને શખ્સો એક પછી એક રિક્ષાઓમાંથી ટાયર કાઢીને શાંતિથી પોતાની રિક્ષામાં મૂકી રહ્યા હતા. જોકે, હોસ્પિટલના સિક્યોરિટી જવાનોએ સતર્કતા દાખવી અને ચોરીની આ ઘટનાને રંગેહાથ પકડી પાડી હતી. સિક્યોરિટી દ્વારા પૂછપરછ કરવામાં આવતા બંને ચોર શખ્સોએ રિક્ષામાંથી ટાયર ચોર્યા હોવાનું કબૂલ્યું હતું. ત્યારબાદ સિક્યોરિટી જવાનોએ આ બંને ચોર શખ્સોને પકડીને સિવિલ હોસ્પિટલમાં આવેલી પોલીસ ચોકીને સોંપી દીધા હતા.










