કહેવાય છે કે ‘સેવા એ જ પરમો ધર્મ’ અને આ ઉક્તિને ફરી એકવાર સાર્થક કરી બતાવી છે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ૧૦૮ની ટીમે. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં ૧૦૮ની ટીમે સમયસૂચકતા અને કુશળતા દાખવી રસ્તામાં જ પ્રસૂતિ કરાવી માતા અને નવજાત શિશુનો જીવ બચાવ્યો છે.
૧૦૮ની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ
ઇડર તાલુકાના રૂદરડી ગામના રહેવાસી અલકાબેન ગમારને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા પરિવાર દ્વારા તાત્કાલિક ૧૦૮નો સંપર્ક કરવામાં આવ્યો હતો. સંદેશ મળતાની સાથે જ ૧૦૮ની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.૧૦૮ એમ્બ્યુલન્સના EMT પંકજ પરમાર અને પાયલોટ શિવરામ સુતરિયા દર્દીને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા પરંતુ રસ્તામાં જ પ્રસૂતિની પીડા અસહ્ય બની ગઈ હતી.સ્થિતિની ગંભીરતાને સમજીને,૧૦૮ની ટીમે એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો.
