ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદમાં આયોજિત વર્લ્ડકપ 2026ની હાઈ-પ્રોફાઈલ ફાઈનલ મેચને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ પોતાની કામગીરી ક્ષમતા અને યાત્રી સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ પ્રદર્શન કર્યું. 08 માર્ચ, 2026ના રોજ રમાયેલા આ ઐતિહાસિક મુકાબલા દરમિયાન દર્શકોની અભૂતપૂર્વ ભીડને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા વ્યૂહાત્મક રીતે 12 વિશેષ ટ્રિપ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું.


રૂપિયા 1.50 કરોડથી વધુ આવક પ્રાપ્ત થઈ

આ ટ્રેનો માત્ર લોજિસ્ટિક્સ દૃષ્ટિએ જ સફળ સાબિત થઈ નથી, પરંતુ આર્થિક રીતે પણ ખૂબ જ લાભદાયક સાબિત થઈ છે. આ વિશેષ ટ્રેનો દ્વારા 15,000થી વધુ યાત્રીઓએ મુસાફરી કરી અને આ ટ્રેનોમાં 100 ટકાથી વધુ ઑક્યુપેન્સિ નોંધાઈ. આ ટ્રેનોના સંચાલનથી રૂપિયા 1.50 કરોડથી વધુ આવક પ્રાપ્ત થઈ. સાથે સાથે અમદાવાદ–દિલ્હી આશ્રમ,અમદાવાદ–નવી દિલ્હી સ્વર્ણ જયંતી રાજધાની, અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત, ગાંધીનગર કેપિટલ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત, અમદાવાદ–દાદર ગુજરાત મેલ, અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ લોકશક્તિ જેવી પ્રીમિયમ ટ્રેનોમાં પણ 100 ટકાથી વધુ ઑક્યુપેન્સિ રહી.

યાત્રીઓની ભારે માગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મહારાષ્ટ્ર અને ગુજરાતના મુખ્ય કેન્દ્રોને જોડતા વિશેષ રૂટો પર ટ્રેનોનું સંચાલન કર્યું. આ ટ્રેનોને મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા ટર્મિનસ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને પુણે જેવા મુખ્ય સ્ટેશનોમાંથી સીધા અમદાવાદ માટે ચલાવવામાં આવી. કુલ 6 વિશેષ ટ્રેનો અમદાવાદ તરફ (પ્રશંસકોને મેચ માટે લઈ જવા માટે) તથા 6 વિશેષ ટ્રેનો અમદાવાદથી પરત (મેચ બાદ મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવા માટે) સંચાલિત કરવામાં આવી.

ક્રિકેટ પ્રશંસકો વચ્ચે આ વિશેષ સેવાઓ માટે ભારે માગ હતી

નિયમિત ટ્રેનોની સમયસારણીને અસર કર્યા વગર આ વિશેષ સેવાઓને એવી રીતે આયોજન કરવામાં આવી કે મુસાફરોને લગભગ ‘ડોર-ટુ-ડોર’ જેવી સુવિધાનો અનુભવ મળી શકે. ટ્રેનોમાં 100 ટકા કરતાં વધુ ઑક્યુપેન્સિથી સ્પષ્ટ થાય છે કે ક્રિકેટ પ્રશંસકો વચ્ચે આ વિશેષ સેવાઓ માટે ભારે માગ હતી. રેલવેએ કેટલીક ટ્રેનોમાં ‘તત્કાલ’ આધાર પર વધારાના કોચ ઉમેરવામાં પણ આવ્યા, જેથી વધુમાં વધુ મુસાફરોને સમાવી શકાય.

ભીડ નિયંત્રણ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ અને મુંબઈના સ્ટેશનો પર વધારાના રેલવે સુરક્ષા દળ (આરપીએફ) તથા વાણિજ્યિક કર્મચારીઓની તૈનાતી કરવામાં આવી. સ્ટેશનો પર વિશેષ સહાયતા ડેસ્ક તેમજ સારી જાહેરાત સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી, જેથી મેચના ઉત્સાહ વચ્ચે પ્રશંસકોને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે. વિશ્વ કપ દરમિયાન પશ્ચિમ રેલવેની આ પહેલે માત્ર હજારો પ્રશંસકોની મુસાફરીને આરામદાયક બનાવી નથી, પરંતુ મોટા કાર્યક્રમો દરમિયાન રેલવેની ઝડપી પ્રતિક્રિયા ક્ષમતા અને વ્યવસ્થાપન ક્ષમતાનું પણ અસરકારક રીતે પ્રદર્શન કર્યું છે.

આ પણ વાંચો : Gandhinagar News: AI અને સાયબર સિક્યુરિટી લો ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ, GIL, DST અને GNLU વચ્ચે ઐતિહાસિક MoU


  • Follow us on: