ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા ભાણખેતર ગામે સરપંચના ઘરના આંગણે પાર્ક કરવામાં આવેલી એક ફોરવીલ ગાડીમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

સરપંચની કારમાં અચાનક આગ

પ્રાપ્ત વિગતો અનુસાર, ભાણખેતર ગામના સરપંચ જગદીશભાઈ પટેલની માલિકીની ફોરવીલ કાર તેમના ઘરના આંગણામાં પાર્ક કરેલી હતી. દરમિયાન, કારમાં અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક તારણ

આગ લાગવાનું પ્રાથમિક કારણ કારમાં થયેલું શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે પરિવાર કે ગ્રામજનો કંઈ સમજે તે પહેલા જ આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા હતા.

કાર સંપૂર્ણપણે બળીને ખાખ

સ્થાનિક લોકોએ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં આખી ફોરવીલ બળીને લોખંડના માળખામાં ફેરવાઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સરપંચની મોંઘીદાટ કાર સંપૂર્ણપણે નાશ પામી હોવાથી મોટું આર્થિક નુકસાન થયું છે.

આ પણ વાંચો: Ahmedabad: નવરંગપુરામાં લુખ્ખાઓનો આતંક, કુખ્યાત બુટલેગરના પૌત્ર સામે ગુનો દાખલ