જામનગર શહેરના પંચવટી સોસાયટી વિસ્તારમાં આજે વહેલી સવારે એક રહેણાંક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ફ્લેટની અંદર ફસાયેલા એક 55 વર્ષીય આધેડનું કરૂણ મોત નીપજ્યું છે. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખા ઘરમાં ધુમાડો ફેલાઈ ગયો હતો અને ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.

બંધ દરવાજો તોડી ફાયર વિભાગે પ્રવેશ કર્યો

ઘટનાની વિગત મુજબ, પંચવટી સોસાયટીમાં આવેલા જાસોલીયા એપાર્ટમેન્ટના બીજા માળે એક ફ્લેટમાં અચાનક આગ લાગી હતી. રહેણાંક વિસ્તારમાં આગની જાણ થતા જ જામનગર ફાયર બ્રિગેડની ટીમ બે ફાયર ફાઈટરો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે, ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હોવાથી ફાયરના જવાનોએ દરવાજો તોડીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો.

55 વર્ષીય ગોવર્ધનભાઈનો મળ્યો મૃતદેહ

ફાયર વિભાગની ટીમે અંદર પ્રવેશ કરતા જ ફ્લેટમાંથી ગોવર્ધનભાઈ (ઉંમર આશરે 55 વર્ષ) નો મૃતદેહ મળી આવ્યો હતો. આગમાં ગંભીર રીતે દાઝી જવાથી અથવા ધુમાડાના કારણે શ્વાસ ગૂંગળાઈ જવાથી તેમનું મોત નીપજ્યું હોવાની આશંકા છે. ફાયર વિભાગ દ્વારા મૃતદેહને બહાર કાઢીને આગળની કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Junagadh: તોરણીયા ગામના સરપંચે પકડ્યું ગેરકાયદે સિંહ દર્શનનું રેકેટ, વન વિભાગના કર્મચારીના ભાઈની સંડોવણીથી વનપ્રેમીઓમાં રોષ