જામનગરના મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી ડ્રગ્સ કેસનો એક મહત્વનો આરોપી પોલીસને હાથતાળી આપીને નાસી છૂટતા સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. SOG દ્વારા પકડાયેલો આ શખ્સ પોલીસ સ્ટેશનમાંથી કેવી રીતે ભાગી ગયો તે મુદ્દે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી આરોપી ફરાર
થોડા સમય અગાઉ જામનગર SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં પંજાબના ચાર શખ્સોને આશરે ₹84 લાખની કિંમતના હેરોઈન સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ચારેય આરોપીઓને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે મેઘપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.
પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠ્યા
મેઘપર પોલીસની કસ્ટડીમાં રહેલા પંજાબના ચાર આરોપીઓ પૈકી વિશાલસિંઘ મટુ નામનો શખ્સ પોલીસની નજર ચૂકવીને સ્ટેશનમાંથી નાસી છૂટ્યો હતો. આટલા મોટા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટના આરોપીના ભાગી જવાથી પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠ્યા છે. આરોપી ફરાર થતા જ જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક નાકાબંધીના આદેશો આપવામાં આવ્યા છે.
જિલ્લાભરમાં સર્ચ ઓપરેશન
હાલમાં જામનગર પોલીસની અલગ-અલગ ટીમો અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિશાલસિંઘને શોધવા માટે જિલ્લાભરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને હાઈવે પર કડક ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Bharuch: વિલાયત ગામની સીમમાં દીપડાની લટાર, ખેડૂતે જીવના જોખમે ઉતારેલો વીડિયો વાયરલ