જામનગરના બેડી અને બેડેશ્વર વિસ્તારમાં લાંબા સમયથી આતંકનો પર્યાય બનેલી સાયચા ગેંગની ગેરકાયદેસર રીતે વસાવેલી મિલકતોને જમીનદોસ્ત કરવાનું કામ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં સવારે જ ભારે પોલીસ કાફલા સાથે ૪ જેસીબી મશીનો ધણધણી ઉઠ્યા હતા, જેને જોઈને ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.


ગુજસીટોક ગુનાનો હિસાબ ચૂકતે કરાયો

નોંધનીય છે કે, ગત 21 મે ના રોજ જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સાયચા ગેંગના મુખ્ય સૂત્રધારો સહિત 11 સાગ્રીતો વિરૂદ્ધ ગુજસીટોક જેવો કડક ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગેંગના સભ્યો લોકભોગ્ય અને સરકારી જમીનો પર બળજબરીથી કબ્જો કરી, ત્યાં પાકા બાંધકામો અને વ્યાપારી એકમો ઉભા કરીને કાળી કમાણી કરતા હતા. અગાઉ પણ આ ગેંગના કેટલાક સભ્યોના ગેરકાયદે આશરા તોડી પડાયા હતા, અને આજે તેનો બીજો તબક્કો શરૂ કરાયો છે.

16 કરોડની સરકારી જમીન માફિયા મુક્ત

આજના મેગા ડિમોલિશન અંગે માહિતી આપતા વહીવટી અધિકારીઓએ જણાવ્યું કે, બેડીના પાણખાણ વિસ્તાર નજીક આવેલા અંદાજે 8 જેટલા મોટા ગેરકાયદેસર કોમર્શિયલ અને રેસિડેન્શિયલ દબાણોને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યા છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન અંદાજે 1 કરોડ 17 લાખની જંત્રી કિંમત ધરાવતી, પરંતુ બજાર ભાવ પ્રમાણે આશરે 16 કરોડની કિંમતની કુલ 12,950 ચોરસ મીટર સરકારી જમીન પિશાચી પંજામાંથી મુક્ત કરાવી પ્રશાસને હસ્તગત કરી લીધી છે.

આ પણ વાંચો: Amreli: ઘંટિયાણ ગામે વાડીમાંથી 7 વર્ષના બાળકને ઉપાડી જઈ સિંહ પરિવારે ફાડી ખાધો, મૃતદેહ દોઢ કિલોમીટર દૂરથી મળ્યો

  • Follow us on: