જામનગર શહેરમાં દબાણકર્તાઓ પર મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, જે જગ્યાએથી અગાઉ દબાણ હટાવવામાં આવ્યું હતું, ત્યાં ફરી એકવાર ગેરકાયદેસર બાંધકામ ખડું થઈ ગયું હતું, જેને મ્યુનિસિપલ કમિશનરના સરપ્રાઇઝ ચેકિંગમાં પકડી પાડવામાં આવ્યું છે.


બચુનગરમાં ફાર્મ હાઉસ ઝડપાયું

શહેરના બચુનગરમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા આજે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન એક ગંભીર દબાણનો કિસ્સો સામે આવ્યો, જ્યાં અગાઉ વૈભવી સુવિધાવાળું ધાર્મિક દબાણ હટાવવામાં આવ્યું હતું, તે જ જગ્યા પર ફરીથી એક ગેરકાયદેસર બાંધકામ ઊભું કરી દેવાયું હતું.કોઈ અજાણ્યા આસામી દ્વારા આ જગ્યાનો ઉપયોગ કરીને ત્યાં ઘોડા રાખી, વૃક્ષો વાવીને એક ગેરકાયદેસર ફાર્મ હાઉસ બનાવી દેવામાં આવ્યું હતું. આ રીતે સરકારી જગ્યા પર ફરી દબાણ થતું જોઈને મ્યુનિસિપલ કમિશનરે સખત નારાજગી વ્યક્ત કરી હતી.

 કમિશનરના આદેશથી ફરી ડિમોલિશન

કમિશનરના આદેશને પગલે મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગ દ્વારા તુરંત જ ફરીથી ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. દબાણકર્તાઓએ કરેલા ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. અગાઉ દબાણ હટાવ્યા બાદ ફરીથી તે જ જગ્યા પર દબાણ થવાનો આ કિસ્સો તંત્રની બેદરકારી અને દબાણકર્તાઓની બેફામતા દર્શાવે છે. ગેરકાયદે દબાણ પર આકરાં પગલાં લેવાતાં અન્ય આસામીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: ઓલપાડના ઝફરાબાદમાં તસ્કરોનો તરખાટ, 5 ચોર CCTVમાં કેદ

  • Follow us on: