સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં તસ્કરોનો તરખાટ યથાવત રહ્યો છે. ઓલપાડના ઓરમાં ગામની સીમમાં આવેલા ઝફરાબાદ વિસ્તારમાં તસ્કરોએ બે સોસાયટીઓને નિશાન બનાવીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. આ ચોરીની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
રાધે અને વેદિકા સોસાયટીમાં ચોરી
તસ્કરોએ ઓરમાંની સીમમાં આવેલી રાધે સોસાયટી અને વેદિકા સોસાયટીમાં ચોરી કરી હતી. ખાસ કરીને વેદિકા સોસાયટીમાં તસ્કરો ઘૂસીને રોકડ રકમ સહિત સોના-ચાંદીના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.
5 તસ્કરોCCTVમાં કેદ, ભાગી છૂટ્યા
આ સમગ્ર ઘટના સોસાયટીમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ ચોરીની ઘટનાને પાંચ જેટલા તસ્કરોએ અંજામ આપ્યો હતો. તસ્કરો ચોરી કરી રહ્યા હતા તે દરમિયાન કોઈક રીતે સ્થાનિકો જાગી જતા હંગામો થયો હતો. જોકે, સ્થાનિકો જાગી જાય તે પહેલા જ આ પાંચેય તસ્કરો ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. ઓલપાડ વિસ્તારમાં સતત વધી રહેલી ચોરીની ઘટનાઓથી સ્થાનિક રહેવાસીઓની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે. પોલીસે CCTV ફૂટેજના આધારે પાંચેય તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચો: ગઢડા નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે કિશોરભાઈ ખાચરની બિનહરીફ વરણી