જામનગર શહેરના એસ.ટી. વર્કશોપ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક ગઈકાલે રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક પુરપાટ ઝડપે આવી રહેલી કારે બાઈકને જોરદાર ટક્કર મારતા પિતા અને તેની પુત્રી રોડ પર પટકાયા હતા. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના ફૂટેજ અત્યંત ભયાનક છે.


પેટ્રોલ પંપ પાસે જ સર્જાયો અકસ્માત

મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રિના સમયે જ્યારે બાઈક ચાલક પોતાની પુત્રી સાથે પસાર થઈ રહ્યો હતો, ત્યારે પેટ્રોલ પંપ નજીક એક કાર ચાલકે તેને અડફેટે લીધો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર પિતા-પુત્રી બંને હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને વાતાવરણમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી.

પિતા-પુત્રીની હાલત નાજુક

આ અકસ્માતમાં પિતા અને પુત્રી બંનેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે 108 મારફતે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, પિતા-પુત્રી બંનેની હાલત હાલ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ કાર્યવાહી અને CCTV તપાસ

અકસ્માતની જાણ થતા જ જામનગર સિટી એ ડિવિઝન પોલીસની ટુકડી ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસ શરૂ કરી છે, જેમાં કાર ચાલકની ગફલત સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Surat: સલાબતપુરામાં પતિની ક્રૂરતા, પત્નીની હત્યા કરી લાશને લાકડાની પેટીમાં પૂરી સિમેન્ટથી પેક કરી દીધી

  • Follow us on: